પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગુલાબસિંહ.

પ્રકરણ ૧ લું.

રમાનું ઘર.

સાતસો વર્ષ ઉપર ચોહાણોના છત્ર નીચે દીલ્હી આખા ભરતખંડનું કેન્દ્ર થઈ શૂર, પરાક્રમ, વિદ્યા, કલા, સર્વના આદર્શ જેવું હતું. સરસ્વતીનો પ્રસાદ પામી વરદાયી એવા ઉપનામને પામેલા ચંદ જેવા મહા કવિઓ પૃથુરાયના દરબારમાં ઉત્તમ પ્રતિષ્ઠા અને વૈભવ ભોગવતા હતા. ખુંણેખોચરે અનેક નરરત્નો જેમ આજ પણ રાજદરબાર સુધી વગવશીલાને અભાવે પહોંચી શકતાં નથી અને એકાંતમાંજ ક્ષીણ થઈ જાય છે તેમ તે સમયે પણ એક સરદાર નામે અતિ સુશીલ, અનુભવી, અને કલામાં પરમ પ્રવીણ ગવૈયો જમનાના કાંઠા ઉપર પરવાડે જે ગરીબ ઝુંપડાં હતાં તેમાં રહેતો હતો. સરસ્વતી અને લક્ષ્મીનો કલહ એના શરીરમાં અને ઘરમાં પ્રત્યક્ષ જણાતો હતો, પણ યાચના કરવાની કૃપણતા એને બહુ ત્રાસદાયક લાગતી હતી. ઉસ્તાદોનું અનુકરણ કરી સારા ગાનારમાં ખપવું એટલોજ એની વિદ્યાનો ચમત્કાર નહોતો, પોતે જાતે સારો રસિક અને મર્મજ્ઞ કવિ હતો. તરંગનગર રચી તેમાં વિલાસ કરે અને કરાવે તેવો પ્રવીણ કવિ હતો. બુદ્ધિવૈભવ સર્વદા લોકરુચિને મળતો આવતો નથી, તેની આંખો આકાશ ઉપર રહે છે, લોકની પૃથ્વી ઉપર રહે છે, એટલે ઘણું કરીને તેવા સુજનોનો લોક સાથે મેળ થતો નથી. સરદારને પણ એમજ હતું.

સરદાર એના મન માનતી રીતે લોકપ્રિય ન હતો. એની સર્વે કૃતિમાં એવાં તરંગ અને સ્વતંત્ર કલ્પનાઓ આવતાં કે તે દીલ્હી શેહેરના રસિક લોકને પણ પસંદ પડતાં નહિ. સાધારણ માણસોને જે વિષય અજાણ્યા