પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
ગુલાબસિંહ.

સ્થિર અને સૂક્ષ્મ જ્ઞાનરૂપ છે. પણ આવું સત્યજ્ઞાન ઘણાં કારણોથી ડહોળાઈ જાય છે :— ગર્વ, વિષયવાસના, પ્રમાદ, અજ્ઞાન, ટુંકામાં કામ અને ક્રોધ અથવા એકલો કામજ. માણસ ઘણી વાર પોતાનાજ બલની ગણનામાં ભુલ ખાય છે, અથવા એને જે દેશ પર સ્વારી કરવી હોય છે તેનો ચોખો નકશો એની પાસે નથી હોતો. અમુક માનસિક સ્થિતિમાંજ શુદ્ધ સત્યનું દર્શન થાય છે, ને તે સ્થિતિ શુદ્ધ સત્ત્વરૂપ ઉન્મતીની છે. તારૂં મન સત્ય જાણવા માટે અભિતપ્ત છે; તારે સત્યને તારા હાથમાં જેમ તેમ પણ આણવું છે; કોઈ પણ જાતની પરીક્ષા કે સાધનસંપત્તિ વિનાજ તું મારી પાસે વિશ્વના ગહનમાં ગહન રહસ્યનો ઉપદેશ યાચે છે. પણ સાધનજ્ઞંપન્ન ન હોય તેવા મનમાં સત્યનો પ્રકાશ કદાપિ થતો નથી; મધ્યરાત્રીએ સૂર્ય ઉગતો નથી; સ્વચ્છ ન હોય તે કાચમાં પ્રતિબિંબ પડતું નથી. એવાં મન સત્યને પામે તો તે સત્યને મલિન કરવા માટેજ. અનધિકારીના મુખમાં અદ્વૈત અભેદનાં વચનો ગમે તેવાં સારાં ભાસે પણ તેના હૃદયમાં તો વામમાર્ગનો અનાચારજ પ્રાધાન્ય ભોગવે. કચરો ભરેલા કૂવામાં પાણી રેડવાથી ફક્ત કચરાનુંજ ઉભરાણ ચઢે છે. न बुद्धिभेदं जनयेदज्ञानां એમ શ્રીકૃષ્ણપરમાત્મા કહે છે તે પણ આજ હેતુથી.”

“તમે શું કહેવા ઈચ્છો છો ?”

“એટલુંજ કે તારામાં એવી શક્તિ છે જે વડે તું અપ્રતિમ સામર્થ્ય પામે; જે વડે તારૂં નામ જે મહાત્માઓ આજ પર્યંત થઈ ગયા છે તેમનામાં મુખ્ય ગણાય; જ્યાં સત્ય આત્મજ્ઞાન સમજાતું હોય, જ્યાં જડથી અતિરિક્ત આત્મસત્તા ઉપર શ્રદ્ધા હોય, ત્યાં પૂજાય. પણ તે સુપ્તવત્ શક્તિને જાગ્રત્‌ કરવા સારું તારે ઘણી ઉચ્ચભાવના ઉપર સ્થિર થઈ જવું જોઈએ એ કહી બતાવવાની જરૂર નથી. પ્રેમસ્થાન જે હૃદય તે વિકારોના તરંગથી મુક્ત થઈ, સ્થિર થવું જોઈએ કે ભૂતભવિષ્યની પોથીને પરખવાનું સામર્થ્ય ધરાવનાર બુદ્ધિસ્થાન ખુલે. હાલ તો તું આમથી આમ ને આમથી આમ ભમે છે. જેમ વહાણમાં વજનની જરૂર છે તેમ આત્મામાં દૃઢ શ્રદ્ધા અને શુદ્ધ પ્રેમની જરૂર છે. તારી સંપૂર્ણ પ્રીતિ એકાગ્ર થતાંજ તારી બુદ્ધિ પણ એકાગ્ર થઈ ખીલવા માંડશે. મા અદ્યાપિ તો બાલક છે પણ સંસારના વિષમપ્રસંગે એનામાં જે ઉચ્ચ ભાવ ખીલી ઉઠશે તેનું તને હાલ ભાન નથી. ખોટું ન