પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
વિપત્તિનું પાસે આવવું.


“ઘણા પડ્યા ” ગુલાબસિંહે શાન્ત વદને કહ્યું “છતાં ગા હું નિરાશ થતો નથી.”

ગાએ પાસા ભેગા કરી, પેટીમાં નાંખી, ખુબ હલાવીને ગાદી પર નાખ્યા :– ઘણામાં ઘણા પડે તેટલા આવ્યા–૧૮ !!

અમીરે પોતાના ખવાસ તરફ કરડી નજરે દાંત કકડાવ્યા, પણ શું કરે ! ગો તો પ્હોળે મોંએ, પાસા તરફ જોતો, ને પગથી માથા સુધી કાંપતો, સ્તબ્ધ થઈ ગયો હતો.

“મેહેરબાન ! જુઓ હું જીત્યો, છતાં હું ધારૂં છું કે આપણી મૈત્રીમાં કોઈ વાંધો નહિ પડે.”

“ભાઈ ! જીત્યા તમે એમાં શક નથી, પણ તમે આ બાલા વિષે કાંઈ બહુ દરકાર કરતા નથી એમ લાગે છે, તો કોઈ પણ રીતે તમારો હક છોડી દેશો !”

“મારા પ્રેમ વિષે એવો હલકો વિચાર લાવતા નહિ; અને” ગુલાબસિંહે કરડા અવાજથી ઉમેર્યું “તમે પોતે જે શિક્ષા વચન તોડનાર માટે ઠરાવી છે તે ભૂલતા નહિ.”

મીરે ભમર તો ચઢાવી, પણ જે જવાબ મોંએ આવ્યો તે દેવાની જરૂર પડી “બસ” તે જેમ તેમ કરી હસતે મોંએ બોલ્યો “હું હાર્યો, તો મારી શરતને તાબે છું. હું આ પ્રમાણે મારૂં વચન પાલું છું તે જોર જુલમે પાળતો નથી એમ સિદ્ધ કરવા માટે આપને એટલી વિનતિ કરૂં છું કે હું એક મીજબાની મારા કાકા સ્વર્ગમાં પહોંચ્યા તે માટે આપવાનો છું તેમાં પધારવાની કૃપા કરો.”

“આપની એક પણ હું પાલી શકું એવી આજ્ઞા સાંભળીને હું પ્રસન્ન થયો છું.”

ગુલાબસિંહે પછી વાત બીજી બાબતો પર ચઢાવી દીધી, અને ગંમતથી તથા આનંદથી તે બોલ બોલી ચાલીને રસ્તે પડ્યો.

“હરામખોર !” ગાનું ગળું પકડીને અમીર બોલ્યો “તેં મને ફસાવ્યો.”

“મેહેરબાન ! પાસા તો બરાબર ગોઠવ્યા હતા, એના બાર પડવા જોઈતા હતા, પણ એ સાળો સેતાન છે; એટલામાં આવી ગયું.”