પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
પોતાની સ્થિતિનું ભાન.

નહિ; તું લોકને મન એક પૂતળી છે. જેને તેઓ પોતાની ગંમત માટે ઘરેણાં ગાંઠાંથી શણગારી નચાવે છે, તું કાંઈ તેમની પૂજાને પાત્ર થયેલી માતાભવાની નથી. ત્યારે આવી તારી સ્થિતિ અને કીર્તિનો તને એવો શો મોહ લાગ્યો છે કે તું નિર્ભય આશ્રયને કે આબરૂને પણ ગણકારતી નથી; કદાપિ, તું જેવી મનાય છે તેવી નહિ હોય; કદાપિ, તું, લોકોના એવા તિરસ્કારને ગણકારતી નહિ હોય, અને એમાંથીજ કાંઈ નફો કાઢવા ઈચ્છતી હશે. ભલે ગમે તેમ હો, મારે કોઈ લેવા દેવા નથી, જે હોય તે ખરેખરૂં મારા આગળ કહી દે. મારા મનમાં, તું આમ હોઈશ કે આમ હોઈશ, તેથી કાંઈ ફેરફાર થવાનો નથી, માટે જે હોય તે બોલ. મને ખાતરી છે કે આપણે થોડીજ વારમાં મળતાં થઈ શકીશું. જો, પેલા ઉમરાવે મારી સાથે એક સંદેશો કહાવ્યો છે; –કહું ?”

માને આ પ્રસંગે જેવું લાગ્યું તેવું કોઈ પણ વાર લાગ્યું ન હતું; પોતાની નીરાધાર સ્થિતિ અને તેથીજ લોકોમાં ગવાતી બેઆબરૂનાં તમામ પરિણામ એના ધ્યાનમાં કોઈ પણ વાર આવાં પ્રત્યક્ષ સમજાયાં ન હતાં. વિચારમાંજ પડી ગઈ, પણ બંદાએ તો આગળ ચલાવ્યું કે “ગુલાબસિંહ માત્ર તારા ફુલણીઆ સ્વભાવની સાથે રમ્યાં કરશે, લાલો તને પોતાની ગણાવતાં પોતાનેજ ધિક્કારશે, પણ એ ઉમરાવ — ખરા દિલથી વાત કરે છે, ને પૈસાદાર પણ છે: સાંભળ,” આટલું કહેતાં, બંદો નીચો નમીને, પોતાનું મોં માના મોં સરસું લેઈ જઈ, એવું એક વચન ઉચર્યો, કે જે પૂરું સાંભળવાને પણ મા ઉભી રહી શકી નહિ. અવર્ણ્ય તિરસ્કારની ભવ્ય ભાવના પ્રદર્શિત કરતી, એ બાલા, એના હાથમાંથી જીવ લેઈને નાઠી. બંદો જેવો એને હાથ પકડવા ગયો તેવોજ લપસી પડ્યો, અને ઓટલેથી નીચે, ને નીચેથી ટેકરાની બાજુએ એમ ગબડી ગયો. સારે ભાગ્યે એક ઠુંડકું એને હાથ આવ્યું, તેથી બચી ગયો. માએ એ હરામખેરની, ક્રોધ અને નિરાશાથી પાડેલી બુમ સાંભળી, પણ, પાછું વાળીને જોયા વિના, મૂઠીઓ વાળીને એવી દોડી, કે ઘરમાં પેઠા વિના ઉભી નહિ, બારણામાંજ લાલાજી અને માની બુઢ્ઢી દાસી, વાત કરતાં ઉભાં હતાં, પણ મા તો અંદરજ દોડી ગઈ, અને ભોંય ઉપર ચત્તાપાટ પડી, ડૂસકે, ડૂસકે, છાતીફાટ રોવા લાગી.