પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
પ્રથમ ક્રમ.

ગુલાબસિંહે અંતર્‌થી નિઃશ્વાસ મુક્યો; તે મોં ફેરવી કાંઈ ધ્યાનમાં પડી ગયો. લાલાજીનું ધ્યાન અધિકતર સ્થિર થયું.

“પણ જો એમજ હોય” ગુલાબસિંહે કહ્યું, ને માના ઉપર એકી નજરે જોઈ રહી જરા હાસ્યપૂર્વક ઉમેર્યું “તો જેને તું કોઈ મેલી સાધનાવાળો જાણતી હતી તે તારા પ્રિયતમ વિષે તું કાંઈ વિશેષ જાણવાની જિજ્ઞાસા નહિ કરે ?”

“લેશ પણ નહિ. પોતાના પ્રિયનું જે જાણવાની કોઈને ઈચ્છા થાય તેટલું હું ક્યારનીએ જાણું છું; ને તે એ કે તું મારો છે.”

“મેં તને કહેલું જ છે કે મારૂં જીવિત ઈતર લોકના કરતાં વિલક્ષણ છે; તો તું તેની સભાગી નહિ થાય ?”

“થયેલી જ છું.”

“પણ જો આવીને આવી જવાની અને કાન્તિ નિરંતર રાખી શકાતી હોય, બધી દુનીયાં આપણા આગળથી ચાલી જાય પણ આપણે રહ્યાં કરીએ ને ભોગ ભોગવીએ એમ થતું હોય……”

“આપણા મરણ પછી સ્વર્ગમાં આપણને છૂટાં પાડનાર કોણ છે ? જન્મ થશે તો પણ ફરી આવીને આવી રીતનોજ થશે. આપણા પ્રેમનું એ માહાત્મ્ય છે.”

ગુલાબસિહ જરા વધારે વાર મૌન રહ્યો, ને પાછો બોલ્યો “તને એક વાર એવાં સ્વપ્ન આવતા કે તારા ભાગ્યમાં આ દુનીયાંના માણસોના કરતાં કોઈ વિલક્ષણ ઉદ્દર્ક લખાયલો છે, તે બધાં તું સ્મરણમાં લાવી શકતી નથી ?”

“મારા પ્રાણ ! તે ઉદ્દર્ક આજ સાંપડી ચૂક્યો.”

“ત્યારે તને ભવિષ્યમાં શું થશે તેનું ભય નથી ?”

“ભવિષ્ય ! હું તે વીસરી ગઈ છું. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે તારા પ્રીતિસ્મિતિમાંજ સમાયલાં છે. ગુલાબસિંહ ! બાળકપણમાં મને જે ગાંડાં સ્વપ્ન આવતાં તે સંભારી મારી મશ્કરી ના કર. એ ગાંડાબળ તારા સહવાસથી ઉડી ગયું છે. ભવિષ્ય ! જે ભવિષ્યનો વિચાર કરવાનો સમય આવશે તો હું પ્રભુના સામુ જોઈશ, અને જે આપણા પ્રારબ્ધને દોરે છે તેને સંભારીશ.”