પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
ગુલાબસિંહ.

હઠી જાય, મપુરીના કરાલ યમકિંકર, કે નરકયાતનામાંના નિતાંત પ્રજ્વલતાં અગ્નિ આદિ સાધન, તેનું ભય પણ આ નેત્રયુગલની બરાબરી કરી શકે તેમ ન હતું. ને અધિકમાં એમ હતું કે એ આંખો કોઈ અમાનુષ સત્ત્વની હોય તેવી ન હતી; મનુષ્યના હૃદયમાં જે જે વૈર, દ્વેષ, ઈર્ષ્યા, ક્રૂરતા આદિ નરકયાતનાના સહોદર ભાવ કલહ કરે છે તે બધા એ બે તેજોબિંદુમાંજ એકત્રિત થયેલા હતા, અને તે જેના ઉપર પડે તેનામાં પરાવર્તન પામી તેને ધ્રૂજાવી કે ગાંડો કરી મારી નાખવા સંપૂર્ણ કરતાં અધિક હતા.

“તું અનન્ત આકાશમાર્ગમાં પેઠો છે. તે માર્ગના ઉમરા ઉપર જેની ચોકી છે તે વિકરાલ ક્તબીજ મને જાણ. મને આજ્ઞા કર. કેમ બોલતો નથી ? તને શું મારૂં ભય લાગે છે ? તેં મને મળવા માટેજ ત્યારે માનુષસુખનો ત્યાગ કર્યો નથી ? આવ આપણે ભેટીએ; તારે જે જોઈએ તે મારી પાસે છે.” આમ કહી એ સાક્ષાત્ કાલમૂર્તિ પાસે પાસે આવવા લાગી, અને લાલાની એટલે સુધી પાસે આવી કે બન્નેના શ્વાસોચ્છવાસ ભેગા મળ્યા. લાલો એક ચીસ પાડી પૃથ્વી ઉપર પડ્યો, ને બેભાન થઈ ગયો. બીજે દિવસે બપોરે જાગ્યો ત્યારે પોતે બીછાનામાં પડેલો છે, અને પાસે ગુરુદાસ તીર કામઠું સુધારતો તથા એકાદ રાસનો ગણગણાટ કરતો બેઠો છે.


પ્રકરણ ૭ મું.

ગૃહસ્થાશ્રમ.

પવિત્ર વિષ્ણુપાદોદિકી શંકરપ્રિયા ગંગા અને કૃષ્ણપ્રિયા મુના જ્યાં પરસ્પરને આલિંગી શિવવિષ્ણુના દેખીતા વિરોધનું ઐક્ય પ્રસિદ્ધ કરે છે, ને તેથીજ જાણે તે સ્થાને સાક્ષાત્ સરસ્વતી પણ ગુપ્ત રીતે આવિર્ભૂત થાય છે, એવી અતિ ઉત્તમ પુણ્યક્ષેત્ર પ્રયાગમાં ગુલાબસિંહે નિવાસ કર્યો હતો. પ્રયાગવડ તે સમયે કાંઈક લીલો હતો, તેની શોભા અલૈકિક છતાં કલિકાલના માહાત્મ્યથી તેની ભવ્યતા કાંઈક ઉણી થવા લાગી હતી. ગંગા મુનાના સંગમ આગળ એક ઉંચું સ્થાન હતું ત્યાં ગુલાબસિંહે પોતાનો એકાન્તવાસ રચાવ્યો હતો. પ્રેમને એકાન્ત એવું છેજ નહિ; પોતાની ઈષ્ટ વસ્તુથી અભિન્ન હોય તો પ્રેમ કદાપિ એકાન્તને ગણકારતો નથી, પોતાનું પ્રેમસ્થાન