પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
ગુલાબસિંહ.

તેના રાગદેષથી વિકાર પામતો નથી. તેં આપણા સંઘમાં ઘણાક વધારા કર્યા છે, પણ એ રીતે નવા દાખલ થયેલા માણસોને બધી વાત બતાવવામાં આવી નથી, કેમકે દંભ અને વિકારને લીધે તે લોક સંપૂર્ણ જાણવા યોગ્ય હતા નહિ. હાલ વળી, અધ્યાત્મવિદ્યાનો એક પ્રયોગ અજમાવી જોવાની ઈચ્છા સિવાય બીજી કશી ઈચ્છા વિના, સ્નેહ કે દયા વિના, તેં આ બાલકને ભયંકર કસોટી અને તેમાંથી પેદા થતા ભયને આધીન કર્યો છે. તેને એમ લાગ્યું કે આવી અવિરત અને વિશાલ પૃચ્છકબુદ્ધિ, અને આવું સાહસિક તથા અસ્ખલિત ધૈર્ય, તે, જે ઠામે અતિ વિશુદ્ધ વૃતિ અને અતિ તીક્ષ્ણ બુદ્ધિને પણ વિજય મળ્યો નથી, ત્યાં વિજયી થઈ શકશે. શક્તિ અને કાન્તિના અંકુરમાત્રને પેદા કરવા સમર્થ એવું ચિત્રકલાનું બીજ ગુપ્ત વિદ્યાના સુવર્ણમય પુષ્પરૂપે ખીલી નીકળશે એમ તારા ધારવામાં છે. એ પ્રયોગ નવો છે. તારા શિષ્ય સાથે દયાથી, મૃદુતાથી વર્તજે, અને અભ્યાસના પ્રથમ ક્રમમાંજ એની પ્રકૃતિ તને સતોષકારક ન જણાય તો એને સ્થૂલ સૃષ્ટિમાં પાછો મોકલી દેજે, કે ઈંદ્રિયજન્યઅનુભવયોગ્ય અને શ્મશાનમાં પૂર્ણ થનાર એવા જીવિતનો જે થોડો રહ્યો હોય તે ઉપભોગ એ બીચારો કરી શકે. મત્યેન્દ્ર ! હું તને આ રીતે શીખામણ આપવા બેઠો છું, તે વખતે મારા હૃદયમાં જે પરસ્પર વિરુદ્ધપ્રાય આશાઓ છે, તેમનો તું ઉપહાસ કર્યા વિના રહેવાને નથી ! જેણે આપણી ગુપ્તવિદ્યામાં બીજાને દાખલ કરવા નિરંતર ના પાડેલી છે એવા મને પણ છેવટ સમજાવી લાગ્યું કે અત્યંત એકાન્તવાસી થઈ વિરાગમાં વિચરવા ઈચ્છતા મનુષ્યને પણ મનુષ્યવર્ગ સાથે સાંકળી લેતો ગુપ્તવિદ્યાનો મહા નિયમ શા માટે તારી અને તારા સજાતીય વર્ગ વચ્ચે આકર્ષણ કરે છે, — શા માટે તું ચેલા અને શિષ્ય મેળવવા ઈચ્છા રાખે છે — એક પછી એક જીવોને આપણા સંઘરૂપી આકાશમાંથી તારાની પેઠે રાજી ખુશીથી ખરી પડતા જોતાં ખાલી પડેલાં સ્થાનને શા માટે પૂરવા મથે છે — શા માટે, વિશ્વનિયમોની પેઠે નિરંતર ગતિમાન્‌ છતાં, તું એક રહેવાથી કંટાળે છે, અનાદિ એક સત્‌ જેણે આરંભે “બહુ” થવાની ઈચ્છા કરી તેની પેઠે બહુ થવા ઈચ્છે છે ! મને પણ તેમનું તેમજ થયું છે, હું પણ છેવટ એક શિષ્ય કરવા ઈચ્છું છું — મારા બરાબર કઈકને કરવા ચાહું છું — — મને પણ એકલા રહેવું ભય ભરેલું લાગે છે. જે વાતની તેં મને ચેતવણી આપી હતી તે જ વાત હવે બનવા બેઠી છે. પ્રેમ સર્વ વસ્તુને પોતારૂપ બનાવે છે. પ્રેમસ્થાનની પ્રકૃતિમાં ભળવા માટે મારે નીચા ઉતરવું પડે, કે તેને મારી બરાબર ઉંચે ચઢાવવું પડે. કલામાત્રની ઉત્પત્તિનું સ્થાન એવો