પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
ગુલાબસિંહ.

ભાયડો છું. આટલું પરાક્રમ પ્રકાશી એ અપશકુનીઆલ મેમાન જેમ આવ્યા હતા તેમ એકા એક અદૃશ્ય થઈ ગયા. એક ભવ્ય ઘર રાખ્યું. નોકર ચાકર જમાવી દીધા. બડા બડા શેઠ સાહેબજાદાઓની મહોબત કરવા માંડી ને ધંધો અફીણના સટ્ટાનો ચાલતો કર્યો. બહુ મહોટો ખટપટીઓ હોય તેવો લાલો જણાવા લાગ્યો – મહોટા મહોટા કીસ્સા ઉઠાવે – ઝટ પટ હીસાબ ગણી કાઢેને હાથેળીમાં દિલ્લી બતાવે ! રામલાલને એણે પોતાના બલથી અને વિજયથી છક કરી નાખ્યો. રામલાલને ધીમે ધીમે એની ઈર્ષ્યા થવા માંડી, પોતાને નિયમિત રીતે જે પાંચ ટકા મળ્યાં જતા તે ઉપર કંટાળો આવવા માંડ્યો. લાલો એકાદ સટ્ટો મારે કે સોનાનો ઢગલો, મહા સમુદ્રની ભરતીની પેઠે એના ઉપર ઉભરાઈ આવતો; અનેક વર્ષ ચિત્ર ચીતરતાં જે ન બન્યું હોત તે ક્ષણમાં બની જતું ! આવું ચાલતું હોય તેમાંજ એકાએક લાલો નરમ પડી જતો, ને વળી કાંઈક નવા તરંગમાં દોડતો. રસ્તામાં યોદ્ધાઓને જતા દેખે તો અહા ! આ ધંધો ઉત્તમ છે એમજ ધારે; કોઈ કવિની વાહ વાહ સાંભળે કે તેની કીર્તિ કેવી અમર છે એમ વિચારે. એમ કરતાં કાવ્યરચના ઉપરજ લત લાગી, ને તેમાં પણ વાહ વાહ સારી કહેવાઈ, પણ વળી મન બદલાયું. વિવેક અને વિચારમાળા જે મંડલમાં પોતે ફરતો હતો તેને એકાએક તજી દીધું, જુવાન તથા છટેલા સોબતી શોધી કહાડ્યા, ને એ મહોટા શહેરના બેફાક મોજ શોખમાંજ તે ડુબી ગયો. પણ ગમે ત્યાં હોય છતાં એનામાં અમુક આત્મિક બલ સતેજ જણાયાં જતું, બધે પોતેએજ મોખરે થવું એમ એની ઈચ્છા રહેતી, બધામાં પોતે ઉત્કૃષ્ટ થવું એ લક્ષ આગળ આવતું. તુરત વેળા ગમે તેવી વાતમાં પોતે લીન થઈ ગયો હોય, પણ થોડીજ ક્ષણમાં જે પ્રતિઘાત થાય તે ઘણોજ દુઃખરૂપ જણાતો. કોઈ કોઈ વાર ઘણા ગંભીર અને ઉંડા વિચારમાં ગુમ થઈ જતો. એની બધી રીતભાત, એના મનની સ્થિતિ, કોઈ માણસ કાંઈક ભૂલી જવા ઇચ્છતો હોય તેના જેવી હતી; એને જે શાન્તિ મળતી તે પણ ભુલાયલી વાત પાછી આવીને કાળજું કોરી ખાતી હોય તેવા માણસને જે મળે તેવી હતી, રામલાલને હવે તો એ મળતો નહિ; બન્ને જણા એક બીજાને મળવા ચહાતા પણ નહિ. લાલાજીને કોઈ મિત્ર ન હતો – કોઈ વિશ્વાસપાત્ર ન હતું.