પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨
ગુલાબસિંહ.

ભવાનીને, કે કોઈ રાક્ષસીનેજ, ખાઉં ખાઉં કરતી ઉભેલી જોઈ, અને ભયથી થરથર કાંપતાં તેણે બાલકને છાતી સરસો દબાવી દીધો. ગોપિકા તુરત ખડખડાટ હસી પડી, એના આંતર આવેગના બેલે એનાં ડાચાં એજ પ્રકારે હાલ્યાં જે હસવારૂપે જણાયું. તુરત પાછી વાળી, નીચે ગઈ. અને બંદો જ્યાં હજી પેલા માણસ સાથે વાતો કરતા હતા ત્યાં આગળ જઈ તેનો હાથ તાણીને ચાલવા લાગી. ખુલ્લા માર્ગમાં આવતાં તે જરાક શાન્ત પડી હોય એમ જણાઇ, ઉભી રહી, અને બોલી કે “મને વેર વાળી આપ, અને તેને માટે જે લેવું હોય તે માગ.”

“ઓ મધુરી લલના ! માગવાનું બીજું શું છે ? તને મારા હૃદયમાં હું સ્થાન આપું એટલી રજા આપ એ માગવાનું. કાલે રાતે તું મારી સાથે નીકળી ચાલ; રજાચીઠી અને માર્ગની યુક્તિ બધું તને મળશે.”

“ને આ બેનું—”

“એ બે આપણા જતા પહેલાં બંદીખાનામાં નિવાસ કરશે, અને જલ્લાદની તરવાર તારૂં વેર તેમના ઉપર વાળશે.”

“બસ, એટલું કર, એટલે મને તૃપ્તિ થશે.”

“આટલી વાત થયા પછી પાછાં બને ચાલવા માંડ્યાં, તે છેક લાલાજીને ઘેર પહોંચતા સુધી કાંઈ બોલ્યાં નહિ પણ તે આવાસમાં ગોપિકા એકલી પડી, અને બારીઓ ગોખ પલંગ—જે જે સ્થાનને તેણે લાલાજીના પ્રેમથી મધુરતાના, માની લીધેલા આવેશમાં સ્વર્ગતુલ્ય માન્યાં હતાં તે તેની દૃષ્ટિએ પડવા લાગ્યાં, એટલે એના હૃદયનો વૈરભાવ નરમ પડવા લાગ્યો, રાક્ષસીભાવ મટી કાળો ક્રૂર પણ નારીભાવ એના ઉપર પ્રવર્તવા લાગ્યો. બંદાના હાથ ઉપર ટેકો દઈ તે ઉભી હતી, તેને જરા દબાવી બોલી —“પેલી રંડાને જે કરવું હોય તે કર, મારી નાખ—પણ આની છાતી ઉપર તો હું વિશ્વાસે ઉંઘી છું, રમી છું. એને તો નહિ.”

“જેવી તારી મરજી” બંદાએ દાંત કચડતે કચડતે કહ્યું “પરંતુ થોડીક વાર તો એને પણ પકડવો પડશે. છેવટ એને કાંઈ હરકત નહિ થાય, અને તોહોમત સાબીત કરનાર પૂરાવો ન મળવાથી એ છૂટી જશે, પણ એની માશુકની તો તને દયા નથી જ કે ની ?”

ગોપિકાએ પોતાની કારી આંખ બંદા ભણી ફેરવી, એ જ એનું પૂર્ણ ઉત્તર હતું.