પૃષ્ઠ:Gulabsinh.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તાવના.


જીવનને કોઈ એક હેતુ જોઈએ. હેતુશૂન્ય જીવન તે મરણથી પણ અધિક દુઃખકારક છે. જીવનના કલહમાં જે અસંખ્ય વિટંબનાઓ આવે છે, તેમાં પણા પોતાના જીવનનો હેતુજ મનુષ્યને આશ્વાસના અને બલ અર્પી શકે છે. ‘જીવનનો હેતુ’ એ શબ્દો તત્વજ્ઞાનમાંથી આણેલા છે, એ હેતુનેજ તત્ત્વજ્ઞાન પુરુષાર્થ કહે છે ને પુરુષાર્થને અર્થે જીવન છે, જીવનને અર્થે પુરુષાર્થ નથી એમ માને છે. જીવિતના પુરુષાર્થ વિષે અધ્યયન કરવું, તેના સંબંધે વાતો કરવી, કે તેને અનુસરવાના સંકલ્પ કરવા, એનું નામ જીવિતનો પુરુષાર્થ સમજવો કહેવાય નહિ; પુરુષાર્થનો નિશ્ચય કરી તે પુરુષાર્થને જીવિતના વ્યવહારમાત્રમાં અનુભવવો એ, તે પુરુષાર્થને સમજવાનું ચિન્હ ગણાય. જગતમાં અનેક પ્રકૃતિ છે અને ભિન્ન ભિન્ન પ્રકૃતિને એકની એક વાત અનેક રીતે સમજતાં ફાવે છે. પુરુષાર્થ સંબંધી નિશ્ચય, જ્ઞાન અને વેદાન્તના ગ્રંથ વિલોકતાં, આચાર્યોના ઉપદેશ શ્રવણ કરતાં થઈ શકે છે; કોઈને કાવ્ય, કથા, વાર્તા, નિબંધ, આદિની રચના દ્વારા પણ થઈ શકે છે. કારણ એમ છે કે જીવનનો પુરુષાર્થ જીવનમાં છતાં જીવનની પાર છે; જેને ઘરબારી, સંસારી, પ્રાપંચિક લોક જીવન કહે છે તેનો નિર્વાહ પણ પુરુષાર્થથીજ છે, પરંતુ પુરુષાર્થ ખરેખરો તો, તેવા જીવનની પાર એટલે સંસારનાં પ્રપંચ, ક્લેષ, કુટિલતામાં છતાં પણ તેનાથી પાર હોવામાં રહેલો છે. જેનાથી જેનાથી, ક્ષણવારે, પ્રાપંચિક જીવન કરતાં ઉન્નત જીવનનો અનુભવ આવે, સંકોચ અને સ્વાર્થની મર્યાદા દૂર થઈ ઉદારતા અને સર્વમયતાનો આલ્હાદ પ્રકટ થાય, તે બધું એ પુરુષાર્થ સમજાવી અનુભવાવી શકે છે. કાવ્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, જે જે સ્થૂલ વ્યવહારની પાર દૃષ્ટિ પહોચાડી શકનારાં સાધન છે તે, પરમપુરુષાર્થનું દર્શન પામેછેજ. કેવલ બુદ્ધિના તર્કોજ વેદાન્તના વાદને ગ્રહણ કરી શકે અને અનુભવી શકે એમ માનવા કરતાં હૃદયનાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ વેદાન્તનો વધારે ત્વરાથી અનુભવ કરી શકે એ માનવું સાનુભાવ ગણાશે. પ્રેમની વિશૃંખલ ગાંડાઇમાંથી જેટલું સ્થૂલ પરિતોષ હોય તેટલો લેઇ લેઇએ તો વેદાન્તના પરમપુરુષાર્થની અભેદભાવના વિના બીજું અવશેષ રહેતું નથી, એમજ સર્વને માટે છે. પૂર્ણ આવશ્યકતા વેદાન્તના અધ્યયનની, તર્કોના વિલાસની, આચાર્યોના આગ્રહની, કે નીતિ અને ધર્મની શુષ્ક એકાન્તતાની નથી; પણ જેનાથી કરીને પ્રાકૃત જીવન ઉચ્ચતાને પામે,