પૃષ્ઠ:Gulabsinh.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
પ્રેમની તાણાતાણ.

સાથે તકરાર કરતો; ત્યારે પછી મારે તમારો ભય શા માટે રાખવો?”

“જેમ તમારી મરજી; મેં તો મારે કહેવું હતું તે કહ્યું.”

“વધારે સ્પષ્ટ રીતે કહું તો ગઈ રાત્રીએ તમે જે વાત કરી તેથી મારા મનમાં આનંદ પણ થયો અને ગુંચવણ પણ થઈ આવી.”

“મને તે વાતની ખબર છે. તમારા જેવા માણસના મન ઉપર કોઈ પણ અદ્ભુત વાતથી ઝટ અસર થાય છે.”

(લાલાના મનમાં જરા માઠું તો લાગ્યું, જો કે ગુલાબસિંહની બોલવાની રીતભાતમાં તેવું કાંઈજ હતું નહિ.) “મને લાગે છે કે તમને હું તમારો મિત્ર થવા યોગ્ય જણાતો નથી. ભલે. રામ રામ !”

ગુલાબસિંહે કંઈ પણ દરકાર વગર સામા રામ રામ કહ્યા, અને લાલાના ગયા પછી પાછો પોતાને કામે લાગ્યો.

તેજ રાત્રીએ લાલો હંમેશના રીવાજ મુજબ રાસભવનમાં ગયો. મા રંગભૂમિ ઉપર કોઈ અતિ ચિત્તાકર્ષક ભૂમિકાનું નિરૂપણ કરતી ઉભી હતી, તેને એક દૃષ્ટે નીહાળતો રંગભૂમિના પાછલા ભાગમાં ઉભો. બધા પ્રેક્ષકોના મુખમાંથી આવતા અનુમોદનના શબ્દે આખું ગૃહ ગાજી રહ્યું; જવાનીને વિષે સહજ જે ગર્વ તથા પ્રેમાંકુર હોય છે તેના આવેશમાં લાલો આનંદ પામતો મનમાં કહેવા લાગ્યો કે “આ ભવ્ય અપ્સરા હજુ પણ મારી થઈ શકશે.”

આવા મીઠા તર્કમાં લાલો ડુબી ગયો હતો, તેવામાં એના ખભા ઉપર કોઇનો સ્પર્શ થયો. થતાંજ ફરીને જુવે છે તો ગુલાબસિંહ ! “તમારે માથે મોહોટું ભય આવી પડેલું છે” તે બોલ્યો “આજે ચાલીને ઘેર જતા ના, અથવા જાઓ તો એકલા જશો નહિ.”

લાલો આશ્ચર્યમાંથી જાગ્રતું થતા પહેલાં તો ગુલાબસિંહ જતો રહ્યો હતો; ચારે પાસા જુએ છે તો એને દીલ્હી શહેરના કોઈ મોહોટા ઉમરાવ સાથે બેઠેલો જોયો. એટલે ત્યાં લાલાથી જઈ શકાયું નહિ.

મા આ વખતે રાસભૂમિમાંથી બહાર આવી, તેવોજ લાલો ઘણા પ્રેમથી તેનો આદર કરવા લાગ્યો. પણ મા પોતાની રોજની રીતિથી વિરદ્ધ પોતાના પ્યારા ઉપર મ્હોં મચકોડી ચાલતી થઈ. પોતાની વૃદ્ધ દાસી (જે રંગભૂમિ પર પણ સાથે જ રહેતી) તેને દૂર લઈ જઈ કહ્યું કે “અરે માડી ! પાછો એ તો અહીં આવ્યો જણાય છે - જે પરદેશી વિષે મેં તેને કહેલું તે.