પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

કંઇ ઓછો ગેરઇન્સાફ નથી. એવું બીજું તો આપણે આગળ ઉપર ઘણું જોઇશું. પણ બંગાળાના ભાગલાની સામે થવાને પ્રજા તૈયાર હતી. પ્રજાની લાગણી તે વખતે તીવ્ર હતી. તે વેળા બંગાળામાં ઘણા આગેવાનો પોતાનું બધું જતું કરવા તૈયાર હતા. પોતાની સત્તાનું તેમને ભાન હતું તેથી એકદમ ભડકો થયો. તે હવે ઓલવાય તેવો નથી, ઓલવવાની જરૂર પણ નથી. ભાગલા તૂટશે, બગાળા પાછું જોડાશે, પણ અંગ્રેજી વહાણની જે તડ પડી છે તે તો રહેવાની જ. તે દહાડે દહાડે મોટી થશે. જાગેલું હિંદ પાછું સૂઇ જાય એ બનવા જેવું નથી. ભાગલા રદ કરવા એ સ્વરાજની માગણી બરોબર છે. બંગાળાના આગેવાન આ વાત બરાબર સમજે છે. અંગ્રેજી સત્તાવાળા પણ એ વાત સમજે છે. તેથી જ ભાગલા ગયા નથી. જેમ દિવસ જાય છે તેમ પ્રજા ઘડાય છે. પ્રજા કંઈ એક દહાડામાં થતી નથી; તેને વરસો જોઇએ છે.

૧૭