પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

છીએ. કોંગ્રેસકાળમાં તે 'ડિસકન્ટેન્ટ' કહેવાતો. મિ. હ્યુમ હમેંશા કહેતા કે હિંદુસ્તાનમાં અસંતોષ ફેલાવાની જરૂર છે. તે અસંતોષ બહુ ઉપયોગિ વસ્તુ છે. જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જ જોઈએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય. તેવો અસંતોષ આપણે મહાન હિંદીઓનાં તેમ જ અંગ્રેજોનાં પુસ્તકો વાંચીને પામ્યા છીએ. તે અસંતોષથી અશાન્તિ થઈ, ને એ અશાન્તિમાં કંઈ મૂઆ, કંઈ આખડ્યા, કંઈ જેલ ગયા, કંઈ દેશનિકાલ થયા. હજુ તેમ થશે, થવું જોઈએ. એ બધાં ચિહ્ન સારાં ગણી શકાય છે. પણ તેનું પરિણામ માઠું આવી શકે છે.



૨૩