પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ શ્રેષ્ઠ? શૂદ્ર? : ૯૩
 


વારંવાર તેમની નજર સમક્ષ ખડો થયો. તેમણે આસપાસ નજર કરી, કોઈ હતું નહિ. મિષ્ટાન્નપ્રિય બ્રાહ્મણે સહેજ સંકોચપૂર્વક મિષ્ટાન્નનો એક કકડો લીધો, બે લીધા, ત્રણ લીધા અને તે ચાખી જોયા; મિષ્ટાન્ન કે પ્રસાદનો કેટલોક ભાગ ઘેર પણ લઈ જવાને પાત્ર હતો એનો તેમને સ્વાનુભવ થયો; અને પાસેના વૃક્ષમાંથી પાંદડાં તોડી, તેમને યોગ્ય લાગ્યો એટલો પ્રસાદ થાળમાં રહેવા દઈ, બીજો પોતાની પત્રાવલીમાં લઈ શાસ્ત્રીજી પોતાની પર્ણકુટિમાં પહોંચી ગયા.

મહાપંડિત અને તેમનાં પત્ની એક અનુકૂળ સ્થળે સંતાઈને આ બંને દૃશ્ય જોઈ શક્યાં. ચાંદીનો આખો થાળ સાથે જ શાસ્ત્રીજી પ્રસાદને કેમ ઉપાડી ન ગયા એનો વિચાર કરતાં બન્ને પતિપત્ની પોતાને ઘેર આવ્યાં. શૂદ્રભક્ત એ બંનેની કસોટીમાં પાંડિત્ય અને શાસ્ત્રજ્ઞાનથી પણ પર થઈ ચૂકેલો પ્રભુનો ભક્ત હતો એમ સમજાયું. અને એ મહાપંડિતે પણ હવે સંસ્કૃત સ્તોત્રને સ્થાને તુલાધારનાં પ્રાકૃત પદ ગાવા માંડ્યાં !

ગામના ક્ષત્રિય ઠાકોર બહુ વટવાળા હતા. સરસ ઘોડા ઉપર સવારી કરે, જામાસાફા પહેરે, મુકુટ ધારણ કરે, હાથમાં સુવર્ણ કડાં અને કાને હીરાની મરચીઓ પહેરે અને સુંદર કારીગરી ભરેલી મૂઠવાળાં તલવાર-જમૈયા કમ્મરે ખોસે. તેમની ગઢી પાસે થઈને તુલાધાર ફાટેલાં વસ્ત્રો સહ એકતારા સાથે કંઈક ભજન ગાતાં પસાર થતા હતા. ઠકરાણી ગઢીને ઓટલે સૂર્યપૂજન કરતાં હતાં તે તુલાધારને જોઈ નીચે આવ્યાં અને ભક્તને નમસ્કાર કર્યા.

‘ઠકરાત અમર રહો તમારી, બહેન !’ એટલું નમસ્કારના જવાબમાં કહી તુલાધાર ત્યાંથી ચાલ્યા ગયા. રણશૂરા ઠાકોરે આ જોયું અને સાંભળ્યું. ઠકરાણી ઘરમાં આવ્યાં એટલે ઠાકોરે તેમને પૂછ્યું :

‘પેલા ભગતને કંઈ આપ્યું નહિ કે ?’

‘ના. ભગત કોઈનું દાન લેતા નથી.’ ઠકરાણીએ કહ્યું.

‘આપણે ક્યાં કંઈ દાન ભરીકે આપવું હતું? એકાદ સારું પહેરણ કે સારા જામો એને આપ્યો હોત તો આખું વર્ષ ચાલત.