પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ : હીરાની ચમક
 

 પત્ની કમલનયનાને આંખ ભરી નિહાળી રહ્યા હતા !

કદાચ એ અકસ્માત હશે. દેવીસિંહ ખરેખર દેવમૂર્તિમાં આ એકાગ્ર હશે. અને કમલનયના અણધારી જ દેવીસિંહની દૃષ્ટિ અને મૂર્તિ વચ્ચે આવી ગઈ હશે, એમ ધારી સજ્જન જગન્નાથ ભટ્ટે ભક્તમંડળીને આરતી આપવી શરૂ કરી; અને દેવીસિંહની વાત આખી ભૂલી ગયા. પરંતુ સત્તાધીશ ઠાકુર દેવીસિંહ કમલનયનાના રૂપને ક્ષણભર ભૂલી શક્યા નહિ. દેવમૂર્તિનાં તો તેમણે દર્શન કર્યા હતાં, પરંતુ દેવભૂતિ કરતાં પણ વધારે સુંદર કમલનયનાનું મુખારવિંદ તેમની આંખમાં ખૂંપી ગયું. અને તે આખી રાત નજરમાંથી ખસ્યું નહિ. રૂપનો નશો રૂપધારીઓને ચઢે છે એના કરતાં એને નિહાળનારને વધારે ચઢે છે. દેવીસિંહ પાસે અનેક પ્રકારનાં સાધનો હતાં, જે દ્વારા તેઓ કમલનયના કોણ હતી એની તલાશ ચલાવી શકે. મંદિરના પૂજારી અને નગરના વિદ્વાન જગન્નાથની કમલનયના પત્ની હતી એ માહિતી તો તેમને મળી. કમલનયના પતિપરાયણ સાધ્વી હતી, ધાર્મિક વૃત્તિવાળી હતી અને અત્યંત લાગણીભરી હતી; છતાં તેના પરિચિત મંડળમાં તેને માટે કોઈની આંખ વિકારી થઈ ન હતી એ વાત પણ તેમણે સાંભળી. એ વાત સાંભળી દેવીસિંહ મનમાં હસ્યા. પૈસો અને સત્તા સતીઓ અને સતિયાઓનાં મનને પણ ડગાવી શકે છે એવી દેવીસિંહની ખાતરી હતી. અને વધારે તપાસ કરતાં જગન્નાથ અને જગનાથના આખા મંદિરને તેઓ પાયમાલ કરી શકે એવી તેમને સહજમાં યુક્તિ પણ જડી આવી.

બાદશાહી વખતમાં જગન્નાથના પૂર્વજોને મંદિર અંગે સો વીઘાં જમીન મહેસૂલમાફીથી ચલાવવામાં આપી હતી. આજ સુધી એ મહેસૂલમાફી ચાલ્યા જ કરતી હતી. દેવીસિંહને એ વ્યવસ્થા સોંપી હતી, એટલે તેનો લાભ લઈ દેવીસિંહ જગન્નાથ ભદ્રને પોતાની હાજરીમાં બોલાવ્યા. ભટ્ટે તેમને આશીર્વાદ આપ્યા, ને પોતાનું યોગ્ય સન્માન થશે એમ પણ માની લીધું, કારણ દેવીસિંહે પોતાની ધાર્મિકતા માટે લોકોમાં ઠીક ઠીક છાપ પાડવા માંડી હતી. જગનાથને યોગ્ય