પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કમલનયના : ૧૦૩
 

 પૂરું ન આપવા બદલ જગન્નાથ ભટ્ટને કેદ કરી લઈ જવામાં આવ્યા.

પત્ની તથા બાળકને માથે મંદિરની વ્યવસ્થા ને દેવપૂજનની જવાબદારી આવી પડી. એ મંદિર ઉપર હાકેમનો રોષ હતો એટલે ભક્તોએ પણ એ મંદિરમાં અવરજવર ઓછી કરી નાખી. પંદર દિવસમાં તો મંદિરની આવક એટલી ઓછી થઈ ગઈ કે કમલા ને બાળકો નિરાધાર બની ગયાં. અને નિરાધાર ભારતીય નારીઓને સનાતન આશ્રય સરખા ચરખા ને દળણાં-ખાંડણાંનો આશ્રય કમલનયનાને લેવો પડ્યો. ભક્તો તો ઓછા થઈ ગયા. છતાં ઠાકુર દેવીસિંહ કદી કદી એ મંદિરમાં દર્શનાર્થે આવતા અને કમલાને બદલે તેના મોટા પુત્ર રામનાથને નિહાળી દર્શન કરી પાછા ચાલ્યા જતા. રામનાથે માતાને આ હકીકત કહી, એટલે દર્શન સમયની દેવપૂજા વખતે કમલનયનાએ દેવગૃહમાં આવવાનું સમૂળગું બંધ કર્યું. મંદિરમાં કોઈ જ ન આવે એવી દેવીસિંહની ધાકધમકી ચાલતી હતી એના સમાચાર પણ કમલનયનાને કાને અથડાતા થયા.

અલબત્ત, પૂજા-આરતી તો ચાલુ જ હતાં. રાત્રિની શયનઆરતી વખતે એક દિવસ દેવીસિંહ આવ્યા અને તેમણે દેવ પાસે મોટાઈપૂર્વક એક રૂપિયો ફેંકી રામનાથના હાથમાં બીજો રૂપિયા મૂકી એને પૂછ્યું :

‘છોકરા ! તારી મા ક્યાં છે ?’

‘અંદર અમારી કોટડીમાં બેઠી રડે છે.’ રામનાથે જવાબ આપ્યો.

‘એને જઈને કહે કે એને રડવું ન પડે એવો એક રસ્તો હું શોધી આવ્યો છું. તારા બાપ મઝામાં છે.’ દેવીસિંહે કહ્યું.

‘પ્રભુ તમારું કલ્યાણ કરો !’ બાળકે કહ્યું

‘પ્રભુને ફાવે તે પ્રભુ કરશે. તું જરા ઝડપથી જા અને તારી માને અહીં મોકલી દે...તમે પાછા ભેગા ન આવશો.’ દેવીસિંહે આજ્ઞા કરી. અને ઘડીક ક્ષણો બાદ કમલનયના મર્યાદાપૂર્વક આવી, નમસ્કાર કરી, દેવીસિંહ સામે ઊભી રહી. દેવીસિંહે કમલનયનાનું