પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોક્ષ : ૧૨૫
 


પ્રકૃતિ વધારે સુંદર અને વધારે પવિત્ર બનતી ચાલી. આશ્રમમાં મોર વધારે પ્રમાણમાં ટહૂકવા લાગ્યા; આસપાસ રમતાં હરણની સંખ્યા ખૂબ વધી ગઈ. પવન મલયાચલથી સીધો આવતો હોય એવો સુવાસિત બન્યો. વૃક્ષઘટામાં સૂર્યનો તાપ ઝિલાઈ રહેવા લાગ્યો. ચંદ્રમાં વધારે ચમક આવી, અને ચંદ્રવિહીન રજનીએ આકાશમાં અલૌકિક તારાના સાથિયા દોરવા માંડ્યા. કોઈ અવનવી તાજગી આખા આશ્રમમાં ફેલાઈ ગઈ. કર્દમને એ તાજગીમાં પ્રભુ વધારે પાસે આવતો લાગ્યો. દેવહૂતિને કોઈ એવી સુખમય સ્વસ્થતા પ્રાપ્ત થઈ કે જાણે તેનો દેહ સભરભર્યા અમૃતમાં રમી રહ્યો હોય !

અને કર્દમના આશ્રમમાં એક દિવસ દેવહૂતિએ પુત્રને જન્મ આપ્યો. કાંચનવર્ણા પુત્રદેહમાં પ્રભુ દેખાયા, ગાર્હસ્થ્યનું અંતિમ લક્ષ સિદ્ધ થઈ ચૂક્યું હોય એમ લાગ્યું. પુત્રને કપિલનું નામ આપ્યું. અને પુત્રનું વય સહજ વધતાં તેમણે દેવહૂતિ પાસે સંન્યસ્તની રજા માગી,

સંન્યસ્ત પણ પત્નીની આજ્ઞા સિવાય લઈ શકાય નહિ એવો આર્યનિયમ છે. સંન્યસ્ત એ પુરુષ કે સ્ત્રીજીવનને પરમ ભવ્ય પ્રસંગ ભલે હોય, છતાં એક દિવસ, એક માસ, એક વર્ષ, સંમતિ આપવામાં પ્રેમી પત્નીને જરૂર વાર લાગે, દેવહૂતિ પોતાના પુત્રમાં મગ્ન હતી. પરંતુ સાથે સાથે એ પુત્રના પિતાને પોતાનાથી અળગા કરવાને જરા યે રાજી ન હતી. કર્દમે સંન્યસ્તમાં પોતાના હિતની વાત બતાવી, દેવહૂતિના હિતની વાત બતાવી, કુટુંબના હિતની વાત બતાવી અને અંતે મહામુશ્કેલીએ દેવહૂતિની સંમતિ મેળવી વાનપ્રસ્થ કરતાં પણ કપરા સંન્યસ્તમાં પ્રવેશ કરી, પૂર્વાશ્રમના સંબંધો ત્યજી દઈ, તેઓ બ્રહ્મની ખોજમાં એકનિષ્ઠાથી લાગી ગયા. આશ્ચમ છોડી ગયેલા કર્દમને માટે હવે સંસાર સળગી ગયો હતો.

પરંતુ દેવહૂતિને તો સંસાર વધારે વળગ્યો. કર્દમ ઓછાવત્તા