પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : હીરાની ચમક
 

 આધારો કાઢી બતાવું. પ્રભુદર્શનનો માર્ગ તે ન્યારો જ છે ! એ તો કોઈ વિરલ સંત કે ભક્તની કૃપાથી આપને ખબર પણ ન પડે અને માર્ગ જડી જાય.’

'એ ભક્ત સંત આપણને ક્યાં મળે ?' રાજાએ પૂછ્યું.

‘રાજન ! એવા ભક્ત કે સંત ન વેશથી પરખાય, ન સ્થાનથી. પરખાય, ન રૂપથી પરખાય, ધર્મકર્મ કરીએ, યાત્રા પર્યટનમાં ફરીએ, અગર સાચા ખોટાંનો વિચાર કર્યા વગર સાધુસંતને સતત નોતરીએ, એમાંથી કોઈક સ્પર્શમણિ સરખો સંત આપણને મળી જાય.’ પુરોહિતે કહ્યું.

મહારાજ બળદેવવર્મન પુરોહિતની વાણી સાંભળી રહ્યો. રાજાનું હૃદય તો સ્વચ્છ થવા જ માંડ્યું હતું. પુરોહિતે તેના જ વિચારનો પડઘો પોતાની વાણીમાં પાડ્યો હતો. વિચાર હતો. વિચાર અને વાણી સુધી રાજ બળદેવવર્મન પહોંચ્યા. હવે તેને કર્મમાં પગલું મૂકવાનું હતું. અને રાજા બળદેવવર્મને તે મૂક્યું પણ ખરું.

રાજા બળદેવવર્મને તીર્થયાત્રાઓ કરી અને ન હતાં ત્યાં તીર્થધામો ઊભાં પણ કર્યા. યજ્ઞયાગાદિ કાર્યો પણ તેણે કરવા માંડ્યાં, સાધુ તેને નોતરવા માંડ્યા અને વિદ્વાનોની મોટી મોટી પરિષદ તેણે ભરવા માંડી. તીર્થાટનમાં તેને લોભી તીર્થગુરૂઓ મળ્યા, યજ્ઞયાગાદિમાં દક્ષિણા તરફ નજર કરતા કર્મઠો જ તેની સામે ભટકાયા અને અન્નક્ષેત્રમાં સાધુસંતોને બદલે નિર્માલ્ય ભિક્ષુકોનાં ટોળાં ઊભરાતાં તેને દેખાયાં.

અને વિદ્વાનોની સભાઓ, પરિષદ અને સમિતિઓ તો એને તદ્દન લુખી જ લાગી. રાજાના ચિત્તને સંતોષ આપે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરનારને એક ભાર સોનું આપવાની રાજાએ જાહેરાત પણ કરી. અને પછી તે મદુરાના વિધવિધ ધર્મોના પંડિત અને શાસ્ત્રીઓની અવરજવર શરૂ થઈ ગઈ. શૈવ પંડિતો પણ આવે, વૈષ્ણવ