પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુલશેખર : ૧૭૧
 


કુલશેખરે જવાબ આપ્યો :

‘પણ બણ કાંઈ નહિ, રામ સાથે આપણી જીવનભરની સંધિ અલિખિત. એની હાકલ થાય કે આપણે ઊભા જ થવું જોઈએ. ચાલો સૈન્ય લઈને.’

વ્યવહારની દૃષ્ટિ આને ઘેલછા કહે, ભુલાયેલા ભાન તરીકે ઓળખાવે અગર ભક્તિભાવનું ચક્રમપણું પણ નામ આપે ! એ જે હોય તે ! સેનાપતિને તો રાજાજ્ઞા પાળવાની જ હતી. કુલશેખરને એક બાજુએ એકલા રામ અને સામી બાજુએ ખર-દૂષણ અને તેમની પાછળના ચૌદ હજાર રાક્ષસો સ્પષ્ટ દેખાતા હતા. સૈન્ય તૈયાર હતું. સેનાપતિ પણ તૈયાર હતા, પરંતુ તેમણે ક્યાં જવું ? કોની સાથે લડવું ? કથા કહેનાર શાસ્ત્રી કુલશેખર જેવા પરમ ભક્ત તો હતા નહિ, પરંતુ એ વિચક્ષણ વિદ્વાન હતા, વાણીનો મહિમા સમજતા હતા અને ભક્તનાં હૃદય વાણીનો કેવો પડઘો પાડે છે એ પણ સમજતા હતા. તેમણે સમજી લીધું કે તેમની અસરકારક શૈલીએ આબેહૂબ રામ-રાક્ષસનું ચિત્ર કુલશેખરના ભક્તહૃદય પર પાડ્યું હતું. એકાએક તેમણે ખર-દૂષણ અને ચૌદે હજાર રાક્ષસો રામના એક જ બાણથી વીંધાઈ ગયા એવો એક શ્લોક લલકાર્યો અને ત્યારે કુલશેખરને ખાતરી થઈ કે ભગવાન રામને કોઈ માનવીની સહાય જરૂરની ન હતી... અને ધીમે ધીમે તેમને સમજાયું કે તેઓ માત્ર એક કથા સાંભળતા હતા !

***

ભક્તોને ઘણી વાર પોતાના શ્રેષ્ઠ સ્થાનનું ભાન રહેતું નથી. એને એ શ્રેષ્ઠ સ્થાન સાચવી રાખનારાઓને ભાન ભુલાવતી ભક્તિ જરાય ગમતી નથી. રાજ રાજદંડ ધારણ કરી સિંહાસન ઉપર બેસી ગંભીરતાભરી આજ્ઞા આપે એ રાજકર્મચારીઓને જરૂર ગમે; પરંતુ એ રાજા સિંહાસન છોડી પ્રભુની કોઈ મૂર્તિ સામે કરતાલ લઈ નાચે એ તેમને ન ગમે એ પણ સમજી શકાય એવું છે. સાચા ભક્તોને વ્યવહારની મર્યાદા નડતી નથી, પરંતુ વ્યવહારના અર્ક સમા રાજકારણમાં