પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : હીરાની ચમક
 


ચબરાક હતી અને ખૂબ આનંદી પણ હતી. સુંદર પત્ની હોવી એ સદ્‌ભાગ્યની નિશાની છે. છતાં સુંદર, સુશીલ અને સુશિક્ષિત પત્ની હોવી એ વળી મહાભાગ્યની નિશાની છે. શરદને એ મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને જનતા માગતી હતી કે શરદ જેવો ભાગ્યશાળી માનવી આ વિશ્વમાં ભાગ્યે જ બીજો કોઈ હશે. શરદે પોતે પણ શરૂઆતમાં એમ જ માની લીધું. એના પોતાના સુખનો પાર ન હતો. પત્નીને હીરા-મોતીના દાગીનાની ખોટ ન હતી, રેશમી અને જરીનાં વસ્ત્રોની ખોટ ન હતી, અને સુખી દંપતીને જવરઅવર માટે, રૂપપ્રદર્શન માટે, ધનપ્રદર્શન માટે, તેમ જ કલાપ્રદર્શન માટે વિસ્તારભરેલ પ્રદેશ પડ્યો હતો. નાટક, સિનેમા, પાર્ટીઓ અને જલસાઓ, સભાઓ અને સંમેલનો, કલામંડળો અને કલાપ્રદર્શનો, હરકોઈ જ્ઞાન, રૂપ, શૃંગાર, ચાતુર્ય અને ધન દર્શાવવાનાં વિપુલ સાધનો બની રહે છે; અને શરદે તથા તેની અત્યંત લાવણ્યવતી પત્ની માધવીએ આ સાધનોનો સારા પ્રમાણમાં ઉપયોગ પણ કરવા માંડ્યો.

પછી તો શરદની આસપાસ—કહો કે માધવીની આસપાસ—મિત્રોની, પ્રશંસકોની, ઓળખીતાઓની અને ઓળખાણ માગનારાઓની ઠીકઠીક ટોળી જાવા માંડી. ચા ઉપર, નાસ્તા ઉપર, જમણ ઉપર, ફરવા માટે, સિનેમા જોવા માટે, શરદને અને માધવીને આમંત્રણો મળવા લાગ્યાં અને આ આમંત્રણો સ્વીકારાય એટલે સામાં આમંત્રણ તેમને આપવા પણ પડ્યાં. ધનિકોને તો કામ હોય છે, પરંતુ ધનિકોની પત્નીઓને પોતે સ્વીકારે એટલું જ કામ કરવાનું રહે છે. એટલે આવાં ઘણાં આમંત્રણોમાં શરદને જવું મુશ્કેલ થઈ પડતું, અને તે આવા કેટલાંયે રૂબરૂ આમંત્રણોમાં પોકારી ઊઠતો :

‘આમ બધે જવું તો મને ન જ પાલવે.’

‘પણ હવે આમંત્રણ આવ્યું જ છે તો આપણે ગયા વગર કેમ ચાલે ? તને ખરેખર કામ હોય તો હું જઈ આવીશ; પણ છેક આમંત્રણ નકારવું એ અભિમાનમાં ગણાશે.’ માધવી શરદને જવાબ આપતી, અને કેટલીક વાર શરદને મૂકીને પણ તેને જવું પડતું.