પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપનો ઈજારદાર : ૧૮૧
 


પણ ભૂવો... જા, તારે જ્યાં જવું હોય ત્યાં.’

‘મારે કોઈ પણ જગાએ જવું નથી. આજથી આ ઘરના ઉમરાની બહાર હું નીકળીશ નહિ, બસ ને?’ માધવીએ કહ્યું.

અને જરાક તિરસ્કારપૂર્વક હસીને શરદ બોલ્યો : ‘જોઈએ, એ પણ કેટલા કલાક ચાલે છે તે !’

અને આ સાંભળતાં જ માધવીએ પોતાના ગળામાં પહેરેલો મોતીનો કંઠો તોડી જમીન ઉપર પટક્યો અને બહાર નીકળવાને બદલે તે પાછી પોતાના ખંડમાં ચાલી ગઈ.

એ દિવસ પછીથી માધવી કદી ઘરની બહાર નીકળી નહિ અને તેને મળવા અને નીરખવા આવતાં પુરુષોનાં ટોળાંને પોતાની સમક્ષ આવવાની મના કરી. એ ક્ષણથી શરદ પણ જાણે તેને અણગમતો થઈ પડ્યો હોય તેમ માધવીએ શરદ સામે હસીને પ્રેમથી ફરી જોયું જ નહિ.

શરદને પોતાને તો પોતાનો ઈજારો કાયમ થયો હોય એમ લાગ્યું. માધવીનું રૂપ તેને જોઈતું હતું, સ્મિત તેને જોઈતું હતું, પ્રેમ તેને જોઈતો હતો. માધવીની અતિલોકપ્રિયતામાં એ સઘળું વેડફાઈ જતું અટકાવવાનો જ તેનો દૃઢ નિશ્ચય હતો. એ તેનો નિશ્ચય ફળીભૂત થયો; અને જો કે માધવીનું રૂપ તેનું સ્મિત અને તેનો પ્રેમ અત્યારે ઢંકાઈ ગયાં હતાં છતાં એક દિવસ વીતે, અઠવાડિયું વીતે મહિનો માસ વીતે, એ સંપૂર્ણપણે સર્વ હક્કપૂર્વક સ્વાધીન થઈ જશે એવી તેની ખાતરી થઈ અને એ ખાતરીમાં તે સહજ મુખ મલકાવી પણ શક્યો.

શરદનું મુખ તો મલક્યું , પરંતુ એ આનંદમુદ્રા બહુ લાંબા સમય સુધી ચાલી નહિ. માધવીનું સ્મિત પોતાનું એકલાનું જ બને એ માટેના તેના પ્રયાસમાંથી પરિણામ એ આવ્યું કે માધવીનું સ્મિત તદ્દન અદૃશ્ય થઈ ગયું, અને તેના મુખ ઉપર માર્દવતાને સ્થાને