પૃષ્ઠ:Hira ni chamak.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ : હીરાની ચમક
 

 ‘બળીને ભસ્મ કરું, એવી હિંમત કરનારને !’ અરુંધતીએ, કહ્યું અને મદભર્યા પગલાં ભરતી તે બહુલાના આશ્રમ તરફ ચાલી નીકળી. આશ્રમ બેત્રણ ગાઉ દૂર હતો, અને વચમાં વચમાં મુનિઓ અને શિષ્યોના આશ્રમો વિસ્તરેલા પડ્યા જ હતા. એટલે પર્વતનો માર્ગ અરુંધતીને મન અજાણ્યો ન હતો. મુખ્ય માર્ગને બદલે કેડીઓ પણ તેની જાણીતી હતી, અને એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું એ આશ્રમવાસીઓને મન ત્યારે સામાન્ય કાર્ય હતું. હજી પૂરી સંધ્યા ઊતરી ન હતી. મંદ મંદ સમીર લહેરાઈ રહ્યો હતો નાનાંમોટાં વૃક્ષો અનુપમ સુવાસ ચારે પાસ વેરી રહ્યાં હતાં; પર્વત પાષાણના ઢગલા ને ઢગલા ઊભા કરી રહ્યો હતો. અને આખી સૃષ્ટિ સમૃદ્ધિ વેરી રહી હોય એમ લાગતું હતું. સૂર્ય એક શૃંગની પાછળ સંતાવાની તૈયારી કરતો હતો અને એને શોધવા ફિક્કો ફિક્કો ચંદ્ર આકાશમાં મંથન કરી રહ્યો હતો એમ પણ અરુન્ધતીને લાગ્યું. અકસ્માત તેના મનમાં વિચાર આવ્યો : ‘લાવ, આ શૃંગ ઉપર ચઢી સાંધ્ય સૂર્યનાં દર્શન કરી લઉં અને શૃંગની પાછળ જ ઊતરી બહુલાના આશ્રમમાં વહેલી પહોંચી જાઉં !’

સૂર્ય જ્યાં સંતાતો હતો તે શૃંગ ઉપર થઈને ખરેખર બહુલાના આશ્રમમાં વહેલાં પહોંચાય એવું હતું. અરુંધતીના પગમાં બળ હતું. શિખર ચડવું એ અત્યારે રમતવાત હતી. તે શિખર ઉપર ચઢી ગઈ, અને અકસ્માત સ્થિર બનીને ઊભી રહી. સૂર્ય ડૂબતો હતો. એ શિલા ઉપર કોઈ તપસ્વી તેને બેઠેલો દેખાયો. ત્યાં થઈને જ એને જવાનું હતું. બેઠેલા તપસવીના માથા પાછળ સૂર્ય તેજકિરણો વેરી રહ્યો હતો. અને અરુંધતીને લાગ્યું કે તે સાક્ષાત્ બ્રહ્મને સાકાર સ્વરૂપ ધારણ કરતા તો નિહાળતી નથી ? દર્શન કરી પાછા વળવું ? પાસે જઈ દર્શન કરવા અને આગળ વધવું ? શું કરવું અને શું ન કરવું ? પુરુષથી તે ડરતી હતી જ નહિં; એને પોતાને પુરુષસમોવડી બનવું હતું. અને આ પાસે, સામે દેખાતો પુરુષ ભય ઉપજાવે એવો તો હતો જ નહિ. બ્રહ્મ હોય કે બ્રહ્મનો ઉપાસક હોય તો તેનાં દર્શન