પૃષ્ઠ:Hira ni chamak.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : હીરાની ચમક
 


તરીકે એટલા બધા વિકસ્યા કે ભારતવર્ષમાં જ નહિ પરંતુ ભારત બહાર પણ તેમના કારખાનાં, બગીચા અને પેઢીઓ ધમધોકાર ચાલવા માંડ્યાં. સ્વર્ગ સમો વૈભવ ભોગવનાર સર મહેન્દ્રપ્રતાપને હવે કાંઈ જ તૃષ્ણા રહેલી ન હતી. અને એ ભાનમાં તેઓ ગર્વ પણ લેતા હતા. ભણતરની ખોટ પુત્ર પૂરી રહ્યો હતો એટલે તેમના આનંદનો, સંતોષનો અને ગર્વનો હવે પાર રહ્યો ન હતો. વરદાન આપનાર મહેશ્વર જેવી ઉદારતા અત્યારે તેમના હૃદયમાં ખીલી નીકળી હતી. માતાપિતા અને પુત્રની ત્રિપુટી એકલી બેઠી અને ત્રાહિત આગળ પ્રદર્શિત ન થાય એવો સંતોષ માતાપિતાએ દર્શાવ્યો.

‘આવો સમારંભ છેલ્લાં દશ વર્ષમાં તો બીજે થયો જોયો નથી.’ માતા સુવર્ણદેવીએ સંતોષપૂર્વક કહ્યું.

‘ગોઠવણ ખાસ ખોટી ન લાગી, આજની રાત્રે સ્ટીમરમાં આપણ ગવર્નર સાહેબ આવવાના છે. તેમને વિલાયતમાં મળેલો. એમના ધ્યાનમાં આપણા બંગલા ઉપરની પ્રકાશગોઠવણી માઈલોના માઈલ દૂરથી આવ્યા વગર નહિ જ રહે એમ હું ધારું છું. આખી રાત રોશની રાખવાની છે.’ સર મહેન્દ્રપ્રતાપે ધનના પ્રદર્શનનો ઉપયોગ પણ સાથે સાથે સમજાવી દીધો.

‘હવે અમર પરણી જાય એટલી જ મને તો ઇચ્છા છે. તે વખતે જે રોનક આવશે તે આજના કરતાં વળી ઘણી બધારે હશે.’ માતાએ કહ્યું.

‘બોલ, અમર ! શું કહેવું છે તારે ?’ પિતાએ બહુ જ રાજી થઈને પુત્રને જે માગે તે આપવા જણાવ્યું. અમર જાણતો હતો કે તેને લંડન જવું હોય, ન્યુયૉર્ક જવું હોય કે પારિસ જવું હોય તો સ્ટીમર ભાડે રાખીને પૃથ્વીપ્રદક્ષિણા કરવી હોય તો તે માટેની પણ પિતાની તૈયારી હતી. પૈસો લખલૂટ હતો અને તે એકના એક પુત્રને માટે વાપરવાનો હતો. સર મહેન્દ્રપ્રતાપ આમ તો ભારે ગણતરીબાજ હતા, પરંતુ પુત્રને માટે તેમને કોઈ પ્રકારની ધનગણતરી હતી જ નહિ. અમરને પણ માગી લેવાના અનેક વિચારો નહિ આવ્યા હોય એમ