પૃષ્ઠ:Hira ni chamak.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪ : હીરાની ચમક
 

 વાર ખાતરી આપી હતી કે તેમનો પુત્ર સુખી હાલમાં કોઈ અણધાર્યા સ્થળે ટૂંક સમયમાં મળવાનો સંભવ છે ખરો. જોકે સંભવમાં અને એ ફેરણીમાં બીજા છ માસ વીતી ગયા અને અમરને અદૃશ્ય થયે બરાબર એક વર્ષ વીત્યું.

પશ્ચિમની એક સુંદર આલીશાન હોટેલમાં એક સંધ્યાકાળે સર મહેન્દ્રપ્રતાપ અને સુવર્ણાદેવી કડકડતી ઠંડીમાં દવા અને ચા પીતાં બેઠાં હતાં ત્યારે ત્યાંની ઘડિયાળે આઠના ટકોરા વગાડ્યા. પતિપત્ની બને ચમકી ઊઠ્યાં અને એ ઘડિયાળ તરફ જોઈ રહ્યાં. કોઈએ કાંઈ ઉચ્ચાર કર્યો નહિ, છતાં બનેને યાદ આવ્યું કે ઘડિયાળને ટકોરે લગ્ન કરવાની આજ્ઞાએ જ અમરને અદૃશ્ય કરી દીધો હતો. એટલી સખ્તાઈ ન વાપરી હોત તો અમર ઘેર પણ રહ્યો હોત અને માતાપિતાએ નક્કી કરેલી ત્રણ યુવતીઓમાંની એક યુવતી સાથે પરણવા માટે તેને સમજાવી શકાયો હોત. મહેન્દ્રપ્રતાપે એક નિઃશ્વાસ નાખ્યો. એ નિ:શ્વાસમાં તેમને અને તેમનાં પત્નીને-બંનેને–એ જ વિચારો આવી ગયા. એકાએક તેમના ખંડનો ટેલિફોન રણક્યો અને ટેલિફોન હાથમાં લેતાં તેમની થયેલી વાતચીતમાં સુવર્ણાદેવીને એમ સમજાયું કે આસામના તેમના બગીચામાં મજુરોએ ભયંકર તોફાન ઊભું કર્યું છે. ત્યાં મેનેજરથી શાંતિ સ્થાપી શકાતી નથી અને સર મહેન્દ્રપ્રતાપની હાજરી વગર એ આખા પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ નથી. પ્રથમ તો તેમને એમ લાગ્યું કે પોતાને જરા ઉત્તેજક વ્યવસાયમાં રોકવાની તેમના કર્મચારીઓની આ યુક્તિ પણ હોય. પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે બગીચામાં કોઈ પણ ક્ષણે ખૂનામરકીનો પૂરો સંભવ ઊભો થયો છે ત્યારે તેમણે આખું વિમાન ‘ચાર્ટર’ કરી સીધા આસામ પહોંચી જવાની વ્યવસ્થા કરવા હુકમ આપી પણ દીધા. ધનને કશું અશક્ય નથી–માત્ર સાચાં હૃદય સિવાય. સઘળી વ્યવસ્થા જોતજોતામાં થઈ ગઈ અને બીજે જ દિવસે સર મહેન્દ્રપ્રતાપ અને સુવર્ણાદેવી ઊપડ્યાં અને ચોથે દિવસે કલકત્તા પહોંચી ગયાં. ત્યાંથી મોટરકારની સગવડ દ્વારા તેઓ બગીચામાં જોતજોતામાં