પૃષ્ઠ:Hira ni chamak.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ : હીરાની ચમક
 


‘કોણ છે એ છોકરો ?’ શેઠ સાહેબે પૂછ્યું.

‘કોઈ અંગ્રેજી જાણકાર આપણને મળતો નહોતો; જાહેરાત કરી થાક્યા ત્યારે આ એકનો એક યુવાન હાથ લાગ્યો અને મેં નીમી પણ દીધે. બહુ બાહોશ છે.’ મેનેજરે કહ્યું.

શરૂઆતમાં તો અમને લાગ્યું કે આ છોકરો માત્ર કારકુની જ કરવા સરજાયો છે. પછી અમને વહેમ પડ્યો કે એ કદાચ ચળવળિયો કોમ્યુનિસ્ટ પણ હશે. મજૂરોનાં તોફાનોમાં એનું નામ પણ સંભળાતું, પરંતુ પુરાવો મળે નહિ. છેલ્લી ઘડીએ હાથથી વાત ચાલી ગઈ ત્યારે એણે વચ્ચે પડી મજૂરોને સમજાવ્યા, આપના આવવાની રાહ જોવા તેમને ઉપદેશ કર્યો અને તેમની ફરિયાદ ન સંભળાય તો તેમની સાથે પોતે પણ નોકરી છેડી દેશે એવું વચન આપી તેમને તોફાને ચડતા અટકાવ્યા. અને એટલામાં આ૫ આવી પહોંચ્યા.’ બીજા અમલદારે આ અજાણ્યા પરંતુ ઉપયોગી યુવકનો પરિચય આપ્યો.

‘એને બોલાવો તો ખરા ! હું જરા જોઈ લઉં અને એને જ મુખે મજૂરોની માગણી સાંભળી લઉં. કઈ હરકત છે?’ મહેન્દ્રપ્રતાપે પૂછ્યું.

માનીતા યુવકને શેઠ સમક્ષ રજૂ કરવાની સહુની ઇચ્છા હતી જ. માત્ર એની ઊતરતી કક્ષા તેને તેમની સાથેની ચાપાર્ટીમાં ભેળવી શકતી ન હતી. યુવકને બોલાવવાનો હુકમ છૂટ્યો અને નમ્ર, સૌમ્ય છતાં જ્વલંત યુવક આવી, નમસ્કાર કરી મહેન્દ્રપ્રતાપની સામે ઊભો રહ્યો ત્યાં સુધી મહેન્દ્રપ્રતાપની મહત્તા અને શેઠાઈ યુવકની સામે તેમની નજર પ્રેરી શકતાં ન હતાં.

‘શેઠસાહેબ ! આ યુવક ભાઈ...’ મેનેજરે શેઠસાહેબનું લક્ષ્ય દોર્યું. શેઠસાહેબે પણ મોટાઈભરી દૃષ્ટિ તેના તરફ દોડવી અને સહુને આશ્ચર્ય વચ્ચે જાણે ઘેલા બની ગયા હોય એમ બોલતાં બોલતાં ઊભા પણ થઈ ગયા !

‘હાં....અરે ! અમર ! તું ...’ મહેન્દ્રપ્રતાપથી આગળ બોલી શકાયું નહિ. ખુરશી છોડીને, ચાનું ભવ્ય ટેબલ છોડીને તેઓ ધસ્યા