પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯ : હીરાની ચમક
 

 પણ શો અર્થ ? એના કરતાં દેહ પડે તો આ રોગની જ્વાળામાંથી તે ઊગરી પણ જાય. અને ખરેખર એ પ્રસંગે રોગના દુ:ખે કૌશિકના દેહ ઉપર તેણે કદી ન અનુભવે હુમલો કર્યો, અને તેણે પોતાનું સત્વર મૃત્યુ ઇચ્છ્યું. સતી કલ્યાણી કૌશિકને મૃત્યુમુખે જવા દે એમ હતું નહિ. એક કુપિત બ્રાહ્મણનું વચન, અને એક કુપિત સતીનું વચન, બંને સામસામે ઘર્ષણમાં ઊતર્યાં. શિવપૂજન કરી, શિવને પોતાનું નર્તન અર્પણ કરી, વેશ્યાવૃત્તિને તિલાંજલિ આપી, વેશ્યા એ માર્ગેથી પ્રભાતની પળ આવતાં પાછી ફરતી હતી. તેણે આ હકીકત સાંભળી. એ નર્તકી કૌશિકને એના જુવાનીના સમયમાં સારી રીતે ઓળખતી હતી; એના રોગની વાત પણ એ સારી રીતે જાણતી હતી; અને કલ્યાણી સરખી સેવાભાવી પત્ની તેની શુશ્રુષા કરી જીવતો રાખી રહી હતી એ પણ આખા ગામ સાથે નર્તકી કીર્તિદા જાણતી હતી. શિવમંદિરની બહાર આમ શુદ્ધિનું વાતાવરણ છવાઈ ગયું. પીડા ભોગવતા કૌશિકને હવે મૃત્યુની જ તમન્ના લાગી હતી. દેહ ઉપર તેને પરમ વિરાગ આવી ગયો હતો. સારણ ઉપર ઘસાતા હથિયારની માફક તેના દેહે રોગમાં ઘસાઈ ઘસાઈને કામનાને તિલાંજલિ આપી દીધી. નર્તકીએ ગામમાં જઈને આ વાત ફેલાવી, અને સતીના શાપથી સૂર્યોદય થશે જ નહિ એવી આગાહીમાં તેણે આખા નગરને વ્યથિત પણ કર્યું.

માર્કંડેય પુરાણ તો કહે છે કે કેટલા યે દિવસ સુધી સતીની ઇચ્છાનુસાર સૂર્યોદય થયો જ નહિ અને આખા બ્રહ્માંડમાં હાહાકાર વ્યાપી ગયો. કદાચ કોઈ અકલ્પ્ય વાદળોએ, કોઈ અકલ્પ્ય ગ્રહે વચ્ચે આવી સૂર્યોદયને અટકાવ્યો હોય તો કોણ જાણે ! પરંતુ આખા ગામને અત્યંત ભય ઉત્પન્ન થયો. અને પાસે જ નર્મદાતટે આશ્રમ સ્થાપી રહેલાં અત્રિ- અનસૂયાની પાસે ગામના આગેવાનો દોડી ગયા. પતિના મહિમાને સતત બિરદાવતાં સતી અનસૂયા સૂર્યને રોકીને બેઠેલી કલ્યાણી પાસે આવ્યાં, અને પ્રસન્ન મુખે કલ્યાણીની હકીક્ત અને માંડવ્યની હકીક્ત સાંભળી લીધી, અને કહ્યું :