પૃષ્ઠ:Hira ni chamak.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દેહી : ૮૧
 


જરત્કારુ નામની ઘસડી આણેલી નાગયુવતીની એક સખીએ તેને કહ્યું, અને જરત્કારુ મુનિ વિસ્મય પામ્યો, વિસ્મય પામી તેણે પૂછ્યું :

‘હું નાગપ્રદેશમાં છું એ તો હું સમજી શક્યો, પરંતુ આપ સર્વ કોણ છો એ હું ઓળખતો નથી. મને વધારે આશ્ચર્ય તો એટલા માટે જ થયું કે મારું નામ અહીં વારંવાર પોકારાયા કરે છે. હું પૂછું છું કે અહીં મને કોઈ ઓળખે છે ખરું ?’

‘આપને ? આપ તો કોઈ આર્ય ક્ષેત્રમાંથી આ બાજુએ આવી ચડેલા ઋષિમુનિ લાગો છે. એથી વધારે કોઈ આપને ઓળખતું હોય એમ લાગતું નથી. છતાં જરા ઊભા રહો. હું અમારા રાજવી વાસુકિ નાગને પૂછી જોઉં. કદાચ એ આપને પિછાનતા હોય.’ એક યુવતીએ કહ્યું અને તે નાગરાજવીને બોલાવવા એકદમ દોડી ગઈ. નાગરાજવી પણ પાસે જ રમતમાં ગૂંથાયેલ હતા. જરત્કારુને વાસુકિનો અંગત પરિચય કદી થયો ન હયો – જોકે એક વિશાળ વનરાજ્યનો વાસુકિ રાજવી હતો એટલી ખબર તેને હતી.

પાસે ઊભેલી યુવતીઓમાંથી એકે બીજી યુવતીને – ખેંચી લાવેલી યુવતીને કહ્યું : ‘હવે કેમ મૂંગી ઊભી રહી છે? તારે જે કાંઈ ઋષિમુનિઓ વિષે પૂછવું હોય તે આ સામે ઊભેલા તપસ્વીને પૂછી જો.’

‘મારે કંઈ પૂછવું નથી.’ યુવતીએ કહ્યું.

‘કેમ એમ ? રોજ તો કહેતી કે તારે કોઈ આર્ય ઋષિ- મુનિ સાથે જીવન ગાળવું છે. પૂછી જો, એ જીવન કેવું છે તે આ આર્યમુનિને !’ એક સખીએ કહ્યું.

‘નામ તો પૂછી જો, જરત્કારુ !’ બીજી સખીએ પેલી યુવતીને રમતમાં જ આગ્રહ કર્યો અને જરત્કારુ પુરુષ એકાએક ચમક્યો. તેનાથી બોલાઈ ગયું :

‘જરત્કારુ ? એ તે મારું નામ છે. હું જરત્કારુ મુનિ, ભૃગુવંશીય તપસ્વી. અહીં તમે બીજા કોને જરત્કારુને નામે સંબોધ્યાં છે ?’

‘આ અમારી સખીને ! એવી તોફાની છે, અને એના દેહરૂપનો