લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેણે મારો ઈન્કાર કર્યો હશે ) તેમને અનંત નરકવાસ મળશે,' અને 'કયામતને દિવસે હું પરમેશ્વરના સિંહાસન પાસે બેઠેલો હોઈશ, અને કોઈને મારા જમણા હાથ પર બેસાડીશ અને કોઈને ડાબા હાથ પર;' એવાં એવાં વાક્યોનો શો અર્થ? શું એ વાક્યો ખોટાં? શું સ્વર્ગ, વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ તથા નરકકુંડોની વાતો ખોટી? પવિત્ર સત્યવાદી સંતોએ શું કામ દેવાદિકનાં અને તેમના સ્થાનોનાં વર્ણન કર્યાં છે? શું કામ ફિરસ્તાઓ, તથા જય, વિજય, શ્રીદામ, પીટર વગેરે દ્વારપાળોની વાતો કરી છે? શું કામ લક્ષ્મી અને વિષ્ણુનો વૈકુંઠવિહાર અને રાધા અને કૃષ્ણનો ગોલોકવિહાર, અક્ષર મુક્તોનો અક્ષરવિહાર વગેરે વર્ણવ્યાં છે? શું કામ સાધના અને પુરુષાર્થ કરતાં પરમેશ્વરના કોઈ ખાસ પ્રતિનિધિ દ્વારા મેળવેલા અનુગ્રહ અને તેની તારક શક્તિ પર વિશ્વાસ રાખવા ભાર મૂકે છે?

આવા આવા પ્રશ્નો વિચારી અનુયાયીને મૂંઝવે છે. તેમાં નવાઈ પણ શી? જેને સત્પુરુષ અથવા સદ્ગ્રંથ તરીકે રજૂ કરો. તેના એક વચન પર વિશ્વાસ રાખવો અને બીજાને ઉડાડી દેવું એ કેમ બને?

પણ આપણે ઉલટો પ્રશ્ન પૂછીએ કે શું કામ એમ ન કરી શકાય? ગમે તેવો મોટો ખ્રિસ્ત, પેગંબર કે અવતાર હોય, અને ગમે તેવું પ્રાચીન અને આદર પામેલું શાસ્ત્ર હોય, શું કામ તેમને વિશે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી ન શકાય? શું કામ તે અંધ કે મૂઢ શ્રદ્ધાથી માનવું જ જોઈએ?

અનુયાયી કહેશે: આપણે પામર માણસ; આપણી બુદ્ધિ અલ્પ અને મલિન; આપણી બુદ્ધિને જે અગમ્ય લાગે તે ન