પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પામર હોઈએ તોયે આપણી નજીક વધારે છે, એ વાત સમજાવી જોઈએ. કારણ કે, તે ધર્માત્મા આપણે માટે તો તેનું ચરિત્ર સાંભળીને કરેલી એક કલ્પના જ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલો છે. ઘણાંખરાંનાં ચરિત્ર દંતકથાઓ અને અલંકારભર્યાં કાવ્યોમાંથી પ્રતિબિંબ પામીને આવ્યાં છે. જેમ અનેક જાતની ગોળાશવાળાં દર્પણોમાં પડતાં પ્રતિબિંબમાંથી કોઈ વસ્તુને જોઈને મૂળ વસ્તુના ખરા રૂપની તદ્દન સાચી કલ્પના નથી કરી શકાતી, તેમ તે ગ્રંથોમાંથી મૂળ નાયકનું સાચું ચરિત્ર જાણવું અશક્ય થઈ પડે છે. એથી ઊલટું, ઈશ્વર કાંઈ એક કલ્પના નથી. તે આપણી (એટલે આત્મા) સાથે એકરૂપ થઈ રહેલી વસ્તુ છે.એ વર્તમાન છે. માટે આજે તો ઈશ્વર આપણી જ વધારે નિકટ છે. જો એ ધર્માત્માનાં ચરિત્રો અને વાણી એ નિકટતા સમજાવી આપે તો તો એ સર્વે ઉપયોગી બન્યાં ગણાય. પણ તેને પરિણામે જો ભક્ત ઈશ્વરને દૂર કરી પોતાના ધર્માત્માને જ કલ્પના બળે નિકટ લાવવાનો પ્રયત્ન કરે, તો તો તે ધર્માત્મા અને ધર્મગ્રંથ તેને માટે ભ્રામક પણ બન્યા ગણાય.

૧૦

પણ અહીં 'ઈશ્વર' એટલે શું કહેવા માગું છું એ વિષે શંકા ઊઠવાનો સંભવ છે. આ ધર્માત્માઓ અને તેમના ગ્રંથો સિવાય ઈશ્વરનાયે અસ્તિત્વ માટે બીજો શેમાં માનવો છે? જો ધર્માત્માઓએ વર્ણવેલાં સ્વર્ગ, નરક, કયામત, પુનર્જન્મ, અવતારવાદ, પેગંબરવાદ, પુત્રવાદ વગેરેમાં દોષ હોય, તો તેમના ઈશ્વરના અસ્તિત્વ વિષેના વિધાનમાંયે કાં દોષ ન હોય?