પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરોવરમાં પડે છે, અને બીજી બાજુથી તેમાંથી પાછી નીકળી મૃતસર (ડેડ સી)ને જઈ મળે છે. મૃતસર સમુદ્ર જેવું એક વિશાળ સરોવર છે. તેનું પાણી એટલું બધું ખારું છે કે તેમાં માછલાં પણ જીવી શકતાં નથી. તેથી જ તેનું નામ મૃતસર પડ્યું છે. એમાં ક્ષારનું પ્રમાણ ઘણું હોવાથી આપણા શરીર કરતાં તેનું પાણી એટલું બધું ભારે છે કે માણસને તરતાં ન આવડતું હોયે તોયે તે તેમાં સહેજે ડૂબી શકે નહિ.

મોટે ભાગે પૅલેસ્ટાઈન પહાડી પ્રદેશ છે.એની આબોહવા વિવિધ પ્રકારની છે. કોઈ ઠેકાણે અતિશય તાપ અને કોઈ ઠેકાણે બહુ જ ટાઢ પડે છે. એકંદરે હવામાં ભેજ વધારે હોય છે, કારણ કે વરસાદ લગભગ ભાદરવાથી ચૈત્ર સુધી એટલે આઠ મહિના પડે છે.બાકીના ચાર મહિના ઉનાળો હોય છે.

યાર્દેન નદીને લીધે પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા બે વિભાગ પડી જાય છે. આશરે બે હજાર વર્ષ ઉપર એમાં પાંચ તાલુકા હતા. બે પૂર્વે અને ત્રણ પશ્ચિમે. પૂર્વમાં પીરિયા અને દશનગર (ડેકાપોલીસ) અને ઇટૂરિયાનો સંયુક્ત્ તાલુકો, અને પશ્ચિમમાં યહૂદિયા, સમારિયા અને ગૅલિલી. તે વખતે તે રોમના સામ્રાજયનો એક ભાગ હતો. તેમાં મુખ્યત્વે યહૂદી લોકોની વસ્તી હતી. એનિ રાજધાની યરુશાલેમમાં હતી. જેમ હિંદુઓને કાશી, મુસલમાનોને મક્કા, તેમ યહૂદીઓને યરુશાલેમ. ત્યાં તેમનું મોટામાં મોટું અને જૂનામાં જૂનું મંદિર હતું. આ શહેર યહૂદિયા તાલુકામાં આવેલું હતું, અને તે તાલુકામાં જ ઊંચી જાતના યહૂદીઓની - અથવા તેમની ખાસ - વસ્તી હતી.