પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨

ઈશુ ખ્રિસ્ત

તેના શિષ્યો ઝાઝી દરકાર કરતા નહિ. વિધિ પ્રમાણે રોજા રાખવા, શબ્બાથ (વિશ્રાંતિવાર) રાખવો, હાથ પગ ધોઈને ખાવું વગેરે બાબતોમાં તે ઘણો નિયમભંગ કરતા. દાણી તથા હલકી મનાયેલી જાતિઓ સાથે ભેદભાવ વિના ભળતા. તેમના હાથનું ખાતા-પીતા. વળી ફૅરિસી વગેરે પ્રત્યે ઈશુ ઘણી કડવી અને ફિટકાર ભરી ભાષા વાપરતો. આ કારણથી ફૅરિસી, શાસ્ત્રી, પૂજારી વગેરેનો તેમના ઉપર દિવસે દિવસે ગુસ્સો વધતો ગયો.

सॅमारियामां

યહૂદિયામાં રાજા અને પૂજારીનો વિરોધ જોઈ ઈશુએ ગૅલિલીમાં જવાનું યોગ્ય ધાર્યું. વચમાં સૅમારિયા તાલુકો આવતો હતો. આ તાલુકો અને તેની પ્રજા યહૂદીઓની દૃષ્ટિએ એટલાં અપવિત્ર મનાતાં કે તેમને ગૅલિલી જવું હોય તો સૅમારિયામાં થઈને જવાને બદલે દરિયાને માર્ગે અથવા દશનગર તાલુકામાં થઈને લાંબે રસ્તે જતા. સૅમારિયાના લોકો મૂળે તો યહૂદી જ હતા. પણ તેઓ યરૂશાલેમ કરતાં પોતાના તાલુકામાં આવેલા ગેરીઝીમ પર્વતને વધારે મોટું તીર્થ ગણતા, અને તે યહૂદીઓને ગમતું નહોતું. પણ ઈશુને એવી ઘૃણાદૃષ્ટિ કેમ હોઈ શકે ? એણે તો સૅમારિયામાંથી જ પોતાનો રસ્તો લીધો, અને તે તાલુકાના લોકોને પોતાનો ઉપદેશ સંભળાવ્યો.


सॅमारियाणीनी शुद्धि

એક દિવસ તે કૂવા પર બેઠો હતો. એના બેત્રણ શિષ્યો ગામમાં ખાવાનું લેવા ગયા હતા. ઈશુને તરસ લાગી હતી. તેટલામાં એક સ્ત્રી કૂવા પર પાણી ખેંચવા આવી. ઈશુએ તેની પાસે પાણી માગ્યું. યહૂદી થઇને સૅમારિયાણીનું પાણી