પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુરુદ્રોહ
वळी पेसाह पर्व

પાછું પેસાહ પર્વનું ટાંકણું આવી લાગ્યું અને ઈશુ છેલ્લી વાર યરુશાલેમ આવા ઉપડ્યો. એણે ઉપદેશ કરવા માંડ્યા બાદ આ ત્રીજું વર્ષ હશે. એનું વય વધારેમાં વધારે ૩૩ વર્ષનું હશે. એણે આટલા ટૂંકા સમયમાં પુષ્કળ આન્દોલન કર્યું હતું. ફૅરિસીઓ અને પૂજારીઓ એના દુશ્મન થઈ બેઠા હતા અને એને મારી નંખાવવા કોઈ પણ ઉપાય લેવા તૈયાર હતા. એના ઉપર બીજા દોષો સાબિત ન થાય, તો છેવટે એને રાજ્યદ્રોહી ઠરાવી સરકાર દ્વારા પણ એનો અન્ત આણવા ઉત્સુક હતા. એટલે એ હેરોદના પક્ષના માણસો સાથે ભળી ગયા. સૅડ્યૂસીઓ એની ઠેકડી કરવામાં મજા માનતા. માત્ર એના પોતાના શિષ્યો તથા બીજા વગ વગરના લોકોને એને વિષે સદ્‍ભાવ હતો; પણ એમનામાંયે નિર્ભયતા નહોતી અને ઐહિક અભિલાષાઓ સ્પષ્ટપણે રહી હતી.


सत्यनी नीडर
उपासना

પેસાહ પર્વ શરૂ થાય તેના છએક દિવસ પહેલાં યરુશાલેમ પાસેના બેથૅની નામે ગામમાં ઈશુ અને તેના બાર શિષ્યો આવી પહોંચ્યા અને પૂર્વે ઈશુને હાથ સાજા થયેલા એક માણસને ઘેર એ લોકોએ મુકામ કર્યો.