પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પર્વત પરનું પ્રવચન

પોતાના પહેલા બાર શિષ્યોને દીક્ષા આપ્યા પછી ઈશુ તેમને એક દિવસ એક પર્વત પર લઈ ગયો. ત્યાં જે ઉપદેશ એણે આપ્યો તે એનું સૌથી મહત્ત્વનું પ્રવચન છે. પોતાના જીવનનું સર્વ રહસ્ય તેણે તેમાં ઠાલવ્યું છે. એનો સાર નીચે આપ્યો છે:

धर्मराज्यना
अधिकारी

આ સંસારમાં જેઓ દીન, દુઃખી, નમ્ર, સદ્ધર્મના ભૂખ્યા, દયાળુ, પવિત્ર મનના અને શાંતિ તથા સંપને વધારવાવાળા છે, તે જ ખરેખરા ધન્ય છે; તેઓ જ મોક્ષના અધિકારી છે; તે જ શાંતિ પ્રાપ્ત કરી શકવાના છે; તે જ પ્રભુના પુત્ર થવાને લાયક છે; તે જ ધર્મરાજ્યમાં રહી શકશે.

જેને સ્વધર્મના પાલન માટે જુલમ વેઠવો પડ્યો છે તેનું જીવન ધન્ય છે, કારણ કે એ જ ધર્મરાજ્યનો અધિકારી છે.

सुदैव शुं?

સંતો, જ્યારે લોકો તમારી નિન્દા કરે, તમારા ઉપર જુલમ ગુજારે, તમારી ઉપર મારે માટે ખોટા આરોપો ચડાવે, ત્યારે તમે પોતાને નશીબદાર સમજજો; કારણ કે તેથી તમારું શ્રેય થવાનું છે. જે જે સંતો થઈ ગયા છે તેમણે તિરસ્કાર અને ત્રાસ વેઠીને જ સંતપણું પ્રાપ્ત કર્યું છે.