પૃષ્ઠ:Jail-Officeni.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ તેં માળા પેરી હતી તેનું કેમ ?”

હરખાએ કહ્યું: “એ તો મેં આ કામ મને સોંપાયું તે જ દા’ડે બીજા કેદીને આપી દીધી છે. તું શું મને એવો અબુધ જાણછ કે હું તળશીના પારાની માળા પેરીને મેલું ઉપાડું ?”

“ના રે ના ! તું એવો અબુધ નોય રે નો’ય. હું તને ઓળખું છું.”

આ બન્ને જણાં આમ ક્યાં સુધી વાતો કરશે ? હું જેલ-ઑફિસની નિષ્ફર નિષ્પ્રાણ બારી આવા પ્યારના શ્વાસોચ્છ્‌વાસ ક્યાં સુધી સહન કરીશ ? મને 75-100 વર્ષ થઈ ગયાં. બુઢાપો આવ્યો, છતાં મારે કેવી ગુફતેગોને કાનમાં ઝીલવી પડે છે ! જેલની બીજી બધી બારીઓ સુખી છે, ભાગ્યશાળી છે, કે એને રોજેરોજ તો શું, કદીય આવા સુંવાળા ભાવઉછાળાના મર્માઘાતો સહન કરવા પડતા નથી. મારે તો હંમેશાં ને હંમેશાં રિબાવું જ રહ્યું. હું કહું છું કે મારે હૈયું નથી. હું નિષ્ઠુર છું, પણ આ બધાં મુલાકાતિયાં પ્રેમીજનો નાહક મને દુવાઓ દઈ રહ્યાં છે. મને એ પોતાનાં દિલ ખોલવાનું એકનું એક ઠેકાણું સમજે છે. મારે ખોળે એ અંતરની યાતનાઓ ને ગુપ્ત વેદનાઓ ઠાલવે છે. મને પોતાની રહસ્ય-સખી સમજે છે. આ બધો જશ મારે નથી જોઈતો. ઓ મુકાદમ ! હવે આ હરખા-હરખીનાં ટાયલાં બંધ કરાવને, બાપુ !

પણ આજ તો મુકાદમ મીની જેવો બન્યો છે. આજે તો જેલર આવી ગયા છે. મારા જેવડો જ જઈફ જેલર: પણ એ શાનો આ હરખા-હરખીને અટકાવે ? એ કાંઈ ઓછો રસિકડો છે! કોઈ જુવાન જોડલું જોયું એટલે બસ ચાહે ત્યાં સુધી વાર્તાલાપ ચલાવવાની છૂટ ! જુવાન જોડલાને જોતાં જ એને પોતાની જુવાની યાદ આવે છે ને એ દરેક જુવાનિયાની મુલાકાત દ્વારા પોતાના યૌવન-સુખની મધુરી ઘડીઓ જીવી કાઢે છે. અરેરે ! કેદીઓયે આવા કોમળ, અને ત્રીસ વરસનો અનુભવી જેલર પણ આખરે તો આવું કબૂતર જેવું કલેજું રાખીને બેઠો છે, ત્યાં મારું એકલીનું શું ચાલે ? અહીં જો આટલા આટલા પ્રયત્નો થયા પછી પણ માનવતા આમ જીવતી રહેતી હોય, તો પછી આ કારાગૃહોનું જ શું કામ છે ?


16
જેલ ઑફિસની બારી