પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

(૭) આ ઉપરાંત કેટલાક યુદ્ધક્ષેત્રોમાં પણ આ સમયે બહેરામખાંને નિષ્ફળતા મળી. સામ્રાજ્યની પ્રતિષ્ઠાને ધોકો લાગ્યો એટલે પણ બહેરામખાંનું પ્રભુત્વ ઓછું થયું.

(૮) આ બધાં કારણોને બહેરામખાંના પતનની ભૂમિકા તૈયાર થઈ ગઈ. પતનનું છેલ્લું નિમિત્ત બની માહમ અનંગા. એણે દિલ્હીના શાસક શિહાબુદ્દીન અહમદખાંને દિલ્હી તેડી લાવવાનું, બહેરામખાંની વિરુદ્ધ કરવાનું અને બહેરામખાંને પદ્દચ્યુત કરવાનું કાવતરું રચ્યું. એ રીતે અકબર આગ્રાથી શિકાર માટે નીકળ્યો, ત્યારે રસ્તામાંથી જ, હમિદાબાનુ બીમાર છે અને દિલ્હી બોલાવે છે – એવો સંદેશો મળ્યો. અકબર દિલ્હી પહોંચ્યો, રણવાસની સ્ત્રીઓએ બહેરામખાં વિરુદ્ધ ભડકાવ્યો. અકબરે બહેરામખાંને પદ્દચ્યુત કરતો કાગળ લખી નાખ્યો. મક્કા જવાનું સૂચવી દીધું. એ અનુસાર બહેરામખાં આગ્રાથી ગુજરાતમાં જવા નાગોર તરફ જઈ રહ્યો હતો ત્યારે અલવર પહોંચ્યો તે વખતે માહમ અનગાએ અકબરને કહ્યું કે બહેરામખાં વિદ્રોહી બની ગયો છે અને એની યોજના પંજાબ પર આક્રમણ કરવાની છે. આ સાથે અકબરે લશ્કર સાથે પીરમહમદને મોકલ્યો. પીરમહંમદને જોઈને ઉત્તેજાયેલા બહેરામખાંએ યુદ્ધનું એલાન આપ્યું. હાર્યો ... અકબરની અધીનતા સ્વીકારી ..... અકબરે ક્ષમા આપી. મક્કા જતાં અણહિલપુર પાટણમાં સહસ્ત્રલિંગ તળાવમાં નૌકાવિહાર દરમિયાન મુબારક લુહાની નામના અફઘાન સૈનિક દ્વારા તેનો વધ થયો.

આ બધી જ ઘટનાઓને યથાતથ રૂપે જયભિખ્ખુએ કથામાં નિરૂપી છે. એ રીતે ઇતિહાસને વફાદાર રહ્યા છે.

ગદ્યશૈલીની દૃષ્ટિએ આ નવલકથાને જોઈએ તો લેખકની અન્ય નવલકથાઓની જેમ અહીં પણ ગદ્ય વિવિધ મુદ્રાઓ ધારણ કરે છે. ક્યારેક ટૂંકાં અને સરળ વાક્યોમાં વહેતું આ ગદ્ય સીધી અસર ઉપજાવે છે તો ક્યારેક ભાવસભર વાક્યમરોડ એક આગવી ભાવસૃષ્ટિ નિપજાવે છે. આછા આછા શબ્દલસરકાથી ચિત્રો ઉપસાવતો નવલકાર ક્યારેક અનોખી પિક્ચર-ગૅલેરી પણ ખડી કરે છે. ગદ્યશૈલીની આવી કેટલીક વિશેષતાઓ