પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૦૧
 

ભારતવર્ષમાં એક છેડેથી બીજે છેડે ગવાતું આ કાવ્ય એના ગાનાર અને સાંભળનારને એક અપૂર્વ રસલોકમાં વિહાર કરાવે છે. પ્રભુપ્રેમથી છલોછલ ભરેલા આ પ્યાલાએ અનેકને મસ્ત બનાવ્યા હતા. ભક્તની વિહ્‌વળતા, ભગવાનનો ભક્ત પ્રત્યે અનુરાગ એ આ કાવ્યનો મુખ્ય સંદેશ હતો પણ આ કાવ્યનો પૂરેપૂરો આસ્વાદ પ્રજા માણે એ પહેલાં યુદ્ધનું રણમેદાન ગાજી ઊઠ્યું. ગજનીનો મહાન બાદશાહ શાહબુદ્દીન ઘોરી પોતાની સેના સાથે ભારતવર્ષ પર ચઢી આવ્યો. શઊરા સૈનિકો ઠેર ઠેર ત્રાડ દેવા લાગ્યા. ખેડૂતોએ ખેતર છોડ્યા, ભૂખમરો ચારેકોર ડોકાવા માંડ્યો, એની સામે દુષ્કાળપીડિતોની સેવાર્થે રાહતકેન્દ્ર ખૂલ્યાં. આ રાહતકાર્યોમાં જયદેવે મન મૂકીને કામ કરવા માંડ્યું. ભગવાનના મહાકાવ્ય સમા માનવીની સુશ્રુષા કરવાનો મળેલો મોભો જયદેવ-દંપતીએ હોંશે હોંશે પોતાનો કરી લીધો. પ્રેમભર્યું આતિથ્ય, માયાભરી સુશ્રૂષા અને હેતભર્યા આદર અનેક નોંધારાના આધાર બની ગયા. જનગણ એમનો બન્યો તે એટલે સુધી કે ભૂતકાળમાં જયદેવની સર્વ સંપત્તિ લૂંટી માર મારીને ભાગી જનારા લૂંટારાને પણ એમણે એવો પ્રેમાદર આપ્યો કે છેવટે એ પણ એમના ભક્તો બની ગયા.

જયદેવના ‘ગીતગોવિંદ’ની પ્રસિદ્ધિથી ઇર્ષ્યાકુલ બનેલા એક રાજવીએ જયદેવ ઉપર એવો આરોપ મૂક્યો કે જયદેવે રચેલી આ રચના એ તો પોતાના એક કવિએ કરેલી રચનાનું અનુકરણ માત્ર છે. કવિસભામાં જ્યારે આ આરોપનું સત્યપણું સિદ્ધ ના થયું ત્યારે જગન્નાથપુરીમાં ઈશ્વર સમક્ષ સત્યપણાની કસોટીની એરણ ઉપર કૃતિઓને મૂકવામાં આવી જ્યાં જયદેવની કૃતિ સત્ય સિદ્ધ થઈ.

જયદેવને મળેલી આ પ્રસિદ્ધિથી ઇર્ષ્યાકુલ બનેલ કેટલીક વ્યક્તિઓએ રાજા લક્ષ્મણસેનની રાણીને જયદેવ-પદ્માના પ્રેમને કસોટીની એરણ ઉપર ચડાવવાનું સૂચવ્યું. જયદેવના મૃત્યુના માઠા ખબર આપ્યાં એ સાંભળીને પણ પદ્માએ પ્રાણ ત્યજ્યા. જ્યારે જયદેવને આ હકીકતની જાણ થઈ ત્યારે પોતાની પ્રાણપ્રિયાથી વિયોગી જયદેવે એવું કરુણ ગીત-સંગીત રેલાવ્યું કે મૃત પ્રિયતમા સજીવ બની. પણ હવે જયદેવને સંસારની સોનાની જેલ ગમતી નથી. વનનાં પંખેરું વનમાં ઊડે છે. ફરી પાછો પોતાનો આશ્રમ.... સુખી