પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

દામ્પત્ય અને અંતે ગંગાના પ્રવાહમાં વિલીન થઈ જતું આ દંપતી એક અદ્‌ભુત પ્રેમનું જીવનકાવ્ય જીવી જાય છે.

આ નવલકથાનું વાચન ભાવકના મન ઉપર એક એવી દૃઢ છાપ ઉપસાવે છે કે શૈલીછટા અને પ્રસંગાલેખનની કળાથી મૂળ વસ્તુ ઓછું છે છતાં તેને હુલાવીકુલાવીને રસમય કરતાં કર્તાને સારું આવડ્યું છે. કથાસાર નિરાંતવા જીવે મંદ મંદ ગતિએ કથાને આગળ વધારે છે. કથામાં નાયકનાયિકાની વિરોધીઓ અને તેજોદ્વેષીઓ દ્વારા થતી આકરી કસોટી અને ઈશ્વરી ચમત્કારોને મહત્ત્વનું સ્થાન મળ્યું છે. ‘ગીતગોવિંદ’ની પંક્તિઓનો લેખકે ‘ભલો ધર્યો અવતાર’ (પૃ. ૩૨), ‘ગૌડેશ્વરની રાજસભામાં’ (પૃ. ૧૬૫), ‘ગીતગોવિંદ’ (પૃ. ૨૦૬), ‘અમર પદ્મા’ (પૃ. ૨૬૯) જેવા પ્રસંગોમાં ઉચિત ઉપયોગ કર્યો છે. આછાપાતળા લાગતા છતાં નિરૂપણક્ષમતાને કારણે વિલક્ષણ બનતા વિષયવસ્તુને નવલકથાના દીર્ઘ સ્વરૂપમાં આલેખવાનું જયભિખ્ખુનું કાર્ય ભાવાનુકૂળ શિષ્ટમધુર શૈલીબળથી વિશેષ સફળ થયું છે, એટલું – આ નવલકથા સંદર્ભે તો – ઉમળકાથી કહી શકાય એમ છે.

ભગવાન ઋષભદેવ : ચક્રવર્તી ભરતદેવ : રાજવિદ્રોહ :

માનવતાના મૂળ ધર્મોનો સ્વીકાર કરનાર ભગવાન ઋષભદેવ અને તેમના બે પુત્રો ભરત અને બાહુબલિના ચરિત્રને આલેખતી નવલત્રયી ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘રાજવિદ્રોહ’ લેખકની ઐતિહાસિક-પૌરાણિક નવલકથાઓમાં નોખી ભાત પાડતી નવલકથાઓ છે. ભગવાન ઋષભદેવ એક વિશ્વતોમુખી પ્રતિભા હતા. સમગ્ર આર્યદેશવાસીઓની વંદનીય વિભૂતિ હતા. દેશકાળની સીમાઓ, ધર્મસંપ્રદાયના વાડાઓ એમને સ્પર્શ્યા નહોતા. એ જ કારણે છેક પ્રાચીનકાળથી આજ સુધી કોઈને કોઈ રૂપે એમની પૂજા, ઉપાસના કે સેવા ચાલતી આવી છે. જૈનોએ એમને અસિ, મસિ ને કૃષિનાં પ્રવર્તક તરીકે ઓળખાવી પ્રથમ તીર્થકર અને ધર્મપ્રવર્તકરૂપે પૂજ્યા છે. જ્યારે ભાગવતકારે એમનો અગિયારમાં અવતાર કલ્પી ‘શતયજ્ઞકર્તા’ના બિરુદથી નવાજ્યા છે. અન્ય નાનામોટા પંથોએ પણ એમને પોતાના આદ્યપુરુષ તરીકે સ્વીકાર્યા છે.