પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૦૭
 

જીવન કલ્પી ન શકાય. આ શત્રુ એટલે પ્રાથમિક અવસ્થામાં નજરે પડતાં, માનવજીવનની ઘોર ખોદનાર વનજંગલોમાં જીવતા પ્રતિસ્પર્ધિઓ. માનવવંશને ભરખવા સદા તલસી રહેલા સ્થળ-જળના હિંસક શત્રુઓ, માનવતાને પાંગરતી કચડી નાખનાર વેરીઓ. ભયંકર શત્રુનાં આવાં રણમેદાનમાંથી ભગવાન ઋષભદેવ માનવજીવનના જંગલી રોપને પ્રફુલ્લાવે છે, એને નિર્ભય કરે છે. પ્રથમ ભાગના અંતભાગે જગતના જહાજને જુધ્ધે ચઢાવનાર સુકાની પોતાના સુકાનને નવી દિશામાં ઘઉમાવે છે. યુદ્ધ તો આદરવાનું જ છે પણ એ હવે ન દેખાતા શત્રુઓ સામે, અંતરંગનાં અરિઓ સામે. પ્રત્યક્ષ શત્રુઓથી મુક્ત થયેલી માનવતાને ઋષભદેવ હૃદયસ્થ રિપુઓ સામે જંગ ખેલવા આવાહન આપે છે. અંતરની આડમાં અડીંગા લગાવીને બેઠેલા કામ, ક્રોધ, લોભ, મોહ જેવા દુશ્મનો સામે લડવાનું, લડીને જીત મેળવવાનું ભગવાન ઋષભદેવ અને એ દ્વારા લેખક સૂચવે છે. જગતને જીતી આવનારો જો જાતને ન જીતી શક્યો, તો એનો વિજય કમળના પત્ર પર ઠરેલા જળબિંદુ સમાન ક્ષણિક છે એ લેખક ઋષભદેવના પાત્ર દ્વારા સુપેરે સૂચવે છે.

સૃષ્ટિના વિશાળ પટ ઉપરથી જંગાલિયત, કંગાલિયત અને કરુણાભરી અજ્ઞાનાવસ્થાને દૂર કરતો રણનાદ જેટલા વ્યાપક અને અણિશુદ્ધ રૂપે ભગવાન ઋષભદેવે સૌપ્રથમ વાર જગાવ્યો છે એટલો અન્ય ચરિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. એટલે જ આ ચરિત્ર લેખકને ખાસ આકર્ષી ગયું. એમના મતે આજના જમાનામાં સમાજને આવાં ચરિત્રોની ખાસ આવશ્યકતા છે. કારણ કે ભૌતિક ઉન્નતિમાંથી હવે આપણે રસ ઘટતો જાય છે. આધ્યાત્મિક ઉન્નતિવાળું સંસ્કારયુક્ત શુદ્ધ જીવન પણ આજની અનેક પ્રકારની રાજકીય ઊથલપાથલો અને પરદેશી સત્તાઓ સાથેના સંઘર્ષમય જીવનમાં આપણે ગુમાવી બેઠા છીએ. આપણું હૃદય પુરાણું રહ્યું છે અને આપણી બુદ્ધિ નવીન તરફ લાલચુ બની છે. હૃદય અને બુદ્ધિના આ અસમંજસની કપરી વેળાએ ભગવાન ઋષભદેવનું ચરિત્ર ઘણું બધું કહી જાય છે. એ સૂચવે છે કે માનવ દેવથી મોટો છે. દેવ એની પૂજા કરે. માનવમાત્ર તરફ બંધુતા અને સહૃદયતા કેળવો. સાદું અને નિખાલસ જીવન જીવવાની કળા શીખો. ભયથી નહિ પણ પ્રેમથી નીતિ અને શીલ જાળવો.