પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

સંસ્કારપ્રિય સર્જકને ઉદ્દિષ્ટ એવા જીવનપોષક વિચારોને જયભિખ્ખુ નવલકથાત્રયીમાં સતત ગૂંથતા—સંયોજતા માલૂમ પડે છે. અને તેથી જ પહેલા ભાગની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે કોઈ પણ કળા જીવનના આનંદને પ્રગટ કરતી હોવી જોઈએ. એટલું જ નહીં, એ આનંદ આત્મોત્કર્ષને સાધતો હોવો જોઈએ. આ દૃષ્ટિએ આ કથાત્રયીને તપાસીએ તો જીવન-સંસ્કારને પ્રગટાવતા અનેક સંદેશ અહીં મળશે, જેમ કે ભગવાન ઋષભદેવ જીવનવિકાસ માટે પુરુષાર્થ ઉપર ભાર મૂકે છે. માણસનું ભલું માણસ જ કરશે એમ માને છે. સ્વર્ગ જેવી પૃથ્વી માણસે પોતાની જ પાપવૃત્તિથી નર્કસમાન કઈ રીતે બનાવી એ વર્ણવતાં ઋષભદેવ જે કહે છે એ વાત આજે પણ શું એટલી જ સત્ય નથી લાગતી ? ઋષભદેવ કહે છે-

'માતા પ્રકૃતિના હાથમાંથી ભરણપોષણનો ભાર તમે માથે લીધો. પેટપૂર જોઈએ એ તમારો પહેલો હક ! પેટ પર પોટલો બાંધવાની વૃત્તિ એ તમારું પહેલું પાપ ! તમારા હૈયામાંથી આશા ગઈ, તમે શ્રદ્ધા ખોઈ, સંયમ ખોયો, સ્વાસ્થ્ય ખોયું એ બીજું પાપ ! પરિણામે ચોરી તમારી જીવનવૃત્તિની મુખ્ય પ્રવૃત્તિ બની. ઉદારવૃત્તિ એ તમારું પરમધ્યેય બન્યું. પુરુષાર્થના બદલે આલસ્યને તમારો અધિનેતા બનાવ્યો. હિંમતને બદલે ભીરુતા, સ્વતંત્રતાને બદલે દાસતા તમે અપનાવી. એ પાપે આ કલ્પવૃક્ષોએ તમારાથી ચોરી આદરી.' (પૃ. ૨૬, 'ભ. ઋ.')

માનવીને સુખી બનવાનું દૃષ્ટિબિંદુ બતાવતા ઋષભદેવના પાત્ર દ્વારા લેખક કહે છે, 'સુખી થવાનો એ મૂળ મંત્ર યાદ રાખજો કે તમે જેટલા ઉદાર થશો, તેટલી કુદરત તમારા પ્રતિ ઉદાર થશે. તમે જેટલા બીજાને સુખી કરશો, તેટલા તમે સુખી થશો.' (પૃ. ૧૮૬, ‘ભ. ઋ.')

આજની લોકશાહીમાં પણ રાજ્યધુરા વહન કરનારને પ્રેરક બને એવો આદર્શ આપતાં કહે છે : 'રાજા એટલે કુળવાસીઓનો મોટામાં મોટો સેવક ને રક્ષક..... પ્રજાના સુખ-દુ:ખનો એ જવાબદાર. પ્રજાની સમૃદ્ધિનો એ ચોકીદાર... કર્તવ્યની આઠે પહોર જાગતી વેદી એનું નામ રાજ્યપદ.' (પૃ. ૧૮૭, ભગવાન ઋષભદેવ').

સમાજને લેખકનો આ પ્રશ્ન છે કે : પૃથ્વી ઉપર ભયનું શાસન ક્યાં