પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૧૩
 

કથામાં કેન્દ્રમાં છે વત્સ દેશનો રાજા શતાનિક અને એનો પુત્ર ઉદયન. ઇન્દ્રિયભોગમાં અતિ આસક્ત શતાનિક ચેદિરાજની રૂપગુણમાં પદ્મિની સમાન પુત્રી મૃગાવતીને પરણ્યો છે. પોતાના રાજ્યમાં શૃંગારભવનની રચના માટે રાજશેખર નામના ચિતારાને બોલાવે છે. રાજશેખર દ્વારા આલેખાયેલું મૃગાવતીનું એક ચિત્ર શતાનિકના મનમાં પત્ની અને ચિતારાના સંબંધમાં અનેક શંકાઓ ઊભી કરે છે. કુપિત થયેલો રાજા ચિતારાને અપમાનિત કરી એના જમણા હાથનો અંગૂઠો કાપી કાઢી મૂકે છે. અપમાનિત ચિતારો અવંતિના રાજા પ્રદ્યોત પાસે જઈ મૃગાવતીના રૂપગુણના વખાણ કરી પોતે આલેખેલું મૃગાવતીનું ચિત્ર બતાવે છે. ચિત્રને નીરખીને જ કામવિહ્વળ બનેલો પ્રદ્યોત મૃગાવતી જે સગપણમાં પોતાની પત્ની શિવાદેવીની બહેન એટલે કે પોતાની સાળી થતી હોવા છતાં એના હાથની શતાનિક પાસે માંગણી કરે છે. શતાનિક દ્વારા એ માંગણીનો ઇન્કાર થતાં બંને રાજ્યો વચ્ચે યુદ્ધનોબત ઊભી થાય છે. અવંતિની સેના સામે નહીં ટકી શકવાના ડરે શતાનિક આત્મહત્યા કરે છે. રાણી મૃગાવતી મંત્રી યુગરાજની સલાહથી યુક્તિ રચી તત્કાળ પૂરતો યુદ્ધ ભય ટાળી દે છે અને ભવિષ્યમાં મૃગાવતીની પ્રાપ્તિની આશા સાથે પ્રદ્યોત લશ્કર ઉઠાવી પાછો વળી જાય છે. થોડાં વરસોમાં શતાનિકનો પુત્ર ઉદયન કુશળ રાજવી તરીકે તૈયાર થાય છે. એણે હસ્તિકાન્ત વીણાવાદનમાં અપૂર્વ કુશળતા મેળવી છે. એ દ્વારા અવંતીની ગજસેનાને યુદ્ધમાં પરાસ્ત કરી પાછા વળી જવા માટે મજબૂર કરે છે. ડંખીલો પ્રદ્યોત દાવપેચ દ્વારા ઉદયનને અવંતીના કેદખાનામાં પૂરે છે. જ્યાં વીણા શીખવવાના નિમિત્તે એનો પરિચય પ્રદ્યોતની રૂપગુણસુંદર કુંવરી વાસવદત્તા સાથે થાય છે. બંને પરસ્પર પ્રેમમાં પડે છે અને ઉદયનના મંત્રી યોગંધરાયણની યુક્તિથી વાસવદત્તાનું હરણ કરી ઉદયન વત્સ દેશમાં પાછો ફરે છે. પોતાની વહાલસોયી પુત્રીનું આવું અપહરણ પ્રદ્યોતને ક્રોધિત બનાવી વત્સ સામે યુદ્ધ કરવા પ્રેરે છે. પણ મંત્રીની સલાહથી તે તાત્કાલિક થોભી જાય છે. આ દરમિયાન મગધ, વિતભયનગર વગેરે રાજ્યો પણ પરસ્પર યુદ્ધ કરવા આતુર છે. યોગંધરાયણની યુક્તિથી મગધની રાજકુંવરી પદ્માવતીનું લગ્ન ઉદયન સાથે ગોઠવાતાં વત્સ અને મગધ વચ્ચેની દુશ્મનાવટનો અંત આવે છે. મગધ અને વત્સ એક બની છેવટે પ્રદ્યોતને