પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

‘અહીં એક માણસ માટે જાણે બધું હતું, ત્યાં બધા માટે બધું. એટલે અહીં કુંજા અનેક અને પીનાર એક હતા. જે પીએ તે ધરાઈને પીએ. ત્યાં જાણે એક નાના કુંજા તરફ અનેક મુખ લંબાયા હતાં, એટલે સહુના ભાગમાં પાણી મળે, એટલું મળે કે એકેયની તૃષા શાંત ન થાય ! અહીં અત્તરની સુગંધથી મઘમઘતા સ્નાનના કુંડો હતા. એની પાળ સોનેરી ને રૂપેરી વરખથી ચીતરેલી હતી. પણ પાણી ભરનારાઓના નસીબમાં એનો સ્પર્શ સુદ્ધાં લખાયેલો નહોતો.' (પૃ. ૫૭, ભા. ૨)

ગણતંત્રની ચાહક વૈશાલીના નગરજનો પાપ પ્રત્યે દ્વેષ રાખતા… પાપી પ્રત્યે નહીં. એમને વૃત્તિ સામે વિરોધ હતો, વ્યક્તિ સામે નહીં. જગતમાંથી ભય અને દંડ બંને કાઢી નાખવાની એમની આકાંક્ષા હતી. વૈશાલીનો પ્રત્યેક નગરજન સ્વાભાવિક રીતે જ નિષ્ઠાવાન બને, કાયદાપાલક બને, એને એ માટે દંડ કે ભયની જરૂર ન રહે એવું કરવા એઓ ઇચ્છતા હતા. એમણે કારાગારો કાઢી નાખ્યા હતા. માણસ જાણીબુઝીને દોષ કરતો નથી. એની અંદર રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ જ એને દોષ તરફ પ્રેરે છે. એને દૂર કરવાના પ્રયત્નો એણે આદર્યા હતા. આ પ્રદેશની અજબ સુંદરીઓ ઉપર કોઈ કોઈની માલિકી નહોતી. સમાજમાં એનો દરજ્જો ઊંચો ગણાતો. એમને મન તો ગણિકા ગણિકાનો સ્વધર્મ પાળે એટલે એ ઉચ્ચ. સારી રીતે સ્વધર્મ પાળતા કોઈ પણ નગરજનને ગણતંત્રમાં હલકો લેખવામાં આવતો નહીં. સહુને સમાન દરજ્જો મળતો. એટલે મોટા થવાની મહત્વાકાંક્ષા અને એમાંથી જાગતા યુદ્ધ તરફ આ પ્રજાને નફરત હતી.

કટ્ટર સામ્રાજ્યપ્રેમી વર્ષકારથી પણ ગણતંત્રના વખાણ થઈ જાય છે. એક સ્થળે તે કહે છે : “મૈત્રી આપવાનું મન તો જરૂર થાય. આવી ભોળી ને પ્રેમાળ પ્રજા, આવો સંસ્કારી દેશ, માર્દવની મૂર્તિ જેવા રાજસંચાલકો એ બધુંય ગમે.” (પૃ. ૨૧૮, ભા. ૧). અન્યત્ર પણ તેમનાથી કહેવાઈ જાય છે, ‘ગણતંત્ર તો વિષ્ણુનું મોહિનીરૂપ છે. ભલભલા ભરમાઈ જાય છે.' (પૃ. ૨૪૭, ભા. ૨)

આવા ગણતંત્રનો વિનાશ એના ભોળપણે, એની અતિ આદર્શઘેલછાએ, એની વિલાસિતાએ અને વધુ પડતા આત્મવિશ્વાસે કેવી રીતે