પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૬૫
 

કર્યો છે એ પણ નવલકથાકાર કુશળ રીતે વર્ણવે છે. અહિંસાનો અર્થ પણ સ્પષ્ટ કરી આપે છે. રાજ્યતંત્રમાં અહિંસાનો અર્થ થાય છે મહાહિંસાથી હિંસાનો નાશ. ભિખ્ખુ દેવદત્તા મુનિ વેલકૂલને કહે છે, 'હિંસાનો નાશ મહાહિંસાથી જ થાય. હિંસાનું એવું સ્વરૂપ દાખવવું કે માનવ એનો ફરી વિચાર પણ ન કરે... ઝેરનું ઓસડ ઝેર, એમ હિંસાનું ઓસડ મહાહિંસા.' (પૃ. ૬૬, ભા. ર) આ મહાહિંસા દ્વારા જગતમાં એમને વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિ સ્થાપવાના કોડ હતા. એમની ઝંખના હતી કે યુદ્ધ માટેનાં જે ભયાનક શસ્ત્રો એમની પાસે છે તેને નીરખીને કોઈ પ્રજા યુદ્ધ કરવા જ તૈયાર થશે નહીં. એટલે હિંસા આપોઆપ અટકી જશે અને અહિંસાનો જન્મ થશે.

જ્યારે વૈશાલીનું ગણતંત્ર વર્ષકાળના આગમન અને અસર પછી અહિંસાનો અર્થ કરે છે. એક વાર વસ્તુને પ્રાપ્ત કરી લેવી, પછી કોઈ પડાવવા આવે તો એને હિંસા કહીને અહિંસાના નામે પોતે માલિકી ભોગવવી તે. યુદ્ધ તો જુગારના પાસા જેવું કહેવાય. એમાં તો હાર પણ મળે ને જીત પણ. વળી એમાં મૃત્યુ પ્રથમ ને માલિકીસુખ પછી હતું. જ્યારે અહિંસામાં તો જે જેના હાથમાં તે તેની બાથમાં હતું.

પરંતુ અહિંસાનું સાચું સ્વરૂપ આ બંને દૃષ્ટિકોણમાં નથી. અહિંસાનો જન્મ તો ત્યાગ અને અપરિગ્રહમાંથી થાય છે. પ્રેમધર્મના ચાહકો જ્યારે અહિંસાની પોકળ વાતો કરે છે ત્યારે તેમને અહિંસાનું સાચું સ્વરૂપ સમજાવતાં ગણનાયક ચેટક કહે છે : 'જેમ ગૃહસ્થ અને સાધુના ધર્મો જુદા છે, એમ રાજકારણ અને ધર્મકારણની અહિંસા પણ જુદી છે... શુદ્ર સ્વાર્થ માટેની લડાઈ તજી દો. અને દેશ માટે સ્વાપર્ણ કરવા તૈયાર થઈ જાઓ.’ (પૃ. ૧૬૭, ભા. ૨). અન્યત્ર પણ તેઓ કહે છે : 'હિંસાનું સામર્થ્ય મિટાવવા, શેતાનના પંજા આગળ વધતા અટકાવવા તન, મન, ધનની નિખાલસભાવે કુરબાની એ પણ અહિંસાનો જ એક પ્રકાર છે. જેમ શ્વાસોચ્છવાસ લેવામાં વાયુના જીવોની, ભોજન માટે રંધાતા અનાજની, ચેપ ફેલાવતા જંતુઓને દૂર કરવાની હિંસા અનિવાર્ય છે એમ દેશની સ્વતંત્રતા માટે દુશ્મનની સામે રણમેદાને સંચરવું એ પણ ગૃહસ્થની અનિવાર્ય ફરજ છે.' (પૃ. ૨૬૪, ભા. ૨)