પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

સંધિવિગ્રહિક પણ થયા. પણ મિથ્યાભિમાની, સ્વાર્થોધ દુર્યોધન ન જ માન્યો અને છેવટે મહાભારત યુદ્ધ અનિવાર્ય બન્યું. આ યુધ્ધે દેશની માનવશક્તિ સાથે અન્ય સંપત્તિનો પણ કારમો વિનાશ કર્યો. હારેલા કે જીતેલા બંને પક્ષે વિનાશ સિવાય કોઈ નફો ના મેળવ્યો. કુરુવંશ પૃથ્વી ઉપરથી લગભગ નામશેષ બની ગયો.

ભગવાન શ્રીકૃષ્ણના કાકાના દીકરા રાજા સમુદ્રવિજયના પુત્ર નેમ જે બચપણથી જ ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિયથી વિપરીત વ્યક્તિત્વ ધરાવતા હતા. એમણે જગતના જીવો સાથે નેહ કરવાનું નીમ લીધું હતું. એમના મનમાં એક જ પ્રશ્ન સદાકાળ ગુંજ્યા કરતો હતો કે 'માણસ જેટલો પારકાનું ભૂંડુ કરવામાં રસ ધરાવે છે એટલો પારકાના ભલા માટે રસ કાં ન ધરાવે ?' (પૃ. ૩૭, ભા. ૧). નેમને શસ્ત્રો સજવાનો ઓછો શોખ હતો. દેહની તાકાત કરતાં મનની તાકાત ઉપર વિશેષ શ્રદ્ધા હતી. આ નેમને એટલે જ જમીનભાગ મેળવવા માટે ઝઘડતા કૌરવ-પાંડવ ગમતા નથી. રુકમણિને એ કહે છે, 'હું પાંડવ હોઉં તો કૌરવને માંગ્યું આપી દઉં. દેનારની જીત છે.' (પૃ. ૧૮૪, ભા. ૧) વેરનું સાચું ઓસડ વેર નહીં, પ્રીત છે અને સંસારમાં સૌથી મોટી શકિત ક્ષમા છે એમ દૃઢપણે માનનાર નેમનાથ આત્મિક યુદ્ધમાં માને છે. એમના મતે માણસનો ખરો શત્રુ માણસ નથી. માણસ હણવાથી તો બીજો માણસ જ શત્રુ બનવાનો. દુશ્મનને હણવાથી દુશ્મનાવટ ઘટવાની નહીં. ખરેખર તો અરિનું મૂળ - શત્રુતાને જ હણવી પડે અને આ અરિપણાનું, દુશ્મનાવટનું મૂળ તો કામ, ક્રોધ, લોભ, મોહ છે. માટે સાચા દુશ્મન તો એ જ છે. એને હણીએ તો યુદ્ધ જાય ને જગત ઉપર શાંતિ જન્મે. આવા, ભાવનાની ખેતી કરનાર અલગારી અને અંતરથી વિરાગી એવા નેમનાથને શ્રીકૃષ્ણનાં રાણી સત્યાદેવી સંસારી બનાવવા ઇચ્છે છે. શ્રીકૃષ્ણની આજ્ઞાથી પોતાની બહેન રાજ્યશ્રી સાથે સગાઈ ગોઠવે છે. રાજ્યશ્રી પણ નેમનાથના સાન્નિધ્યમાં આત્માનું અપૂર્વ સૌંદર્ય મેળવે છે. અને એટલે જ લગ્ન માટે વરઘોડે ચડેલા નેમનાથ જાનના જમણ માટે વાડે બલિ તરીકે બંધાયેલ પશુઓના પોકાર સુણી 'સર્યું આવા લગનથી' કહીને રેવતાચલ ઉપર આત્માના ઉજાશ માટે જતા રહે છે ત્યારે એ પણ એમની પાછળ જઈ આત્માની લગ્નદીક્ષા લે છે.