પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૭૭
 

તેજસ્વી, મૃદુ અને ભાવભર્યા લાગે છે. લેખકે એક જ વાક્યમાં બંનેના વ્યક્તિત્વનો પરિચય આપતા કહ્યું છે : 'રુકિમણી લાજવંતીના ફૂલ જેવી છે તો સત્યા સૂરજમુખીના ફૂલ જેવી.' તેજસ્વી રુકિમણી જરાસંઘની આજ્ઞાંકિત પત્નીઓ જેવા ક્ષત્રિય રાજાઓને તિરસ્કારે છે. કૃષ્ણ તરફનો એનો પ્રેમ જ એનું હરણ કરવા માટે કૃષ્ણને પ્રેરે છે. સત્યાનું તેજભર્યું રૂપ ધારદાર છે. તીખી કટારી શી આ નારીના રાગ-વિરાગ-પ્રેમ-દ્વેષ જબરા હતા. એ જેને ચાહે એને વશવર્તીને રહેતી. એ જેનો દ્વેષ કરે એ દુનિયામાં સુખચેનથી ન રહી શકે એવો એનો સ્વતંત્ર મિજાજ નવલકથાકારે સચોટ રીતે ઉપસાવ્યો છે.

નવલકથામાં પાત્રચિત્રણની કેટલીક મર્યાદાઓ પણ જણાય છે. જેમકે ક્યારેક પાત્રનું ચિત્રણ યથાર્થ રીતે કરવાના મોહમાં લેખકહાથે વિવેક ચુકાઈ ગયો છે. જેમકે શિશુપાલની નફટાઈ, વરવાઈ ઉપસાવવા ઇચ્છતા લેખક એક પ્રસંગે શિશુપાલના મુખે સ્ત્રીના સંદર્ભમાં ‘માલ સારો છે' એવું ઉચ્ચારણ કરાવે છે જે અનુચિત લાગે છે. આને બદલે બીજી કોઈ રીતે પણ લેખક પાત્રનો આ ભાવ ઉપસાવી શક્યા હોત. એ જ રીતે ક્યારેક જેમ પ્રેમાનંદને હાથે પૌરાણિક પાત્રોનું ગુજરાતીકરણ થઈને એ પાત્રની પૌરાણિક મહત્તા હણાઈ જતી એવું જયભિખ્ખુને હાથે પણ થયું છે. રુકિમણીના પિતાની પુત્રીને પરણાવવા સંબંધી જે ચિંતા છે એમાં એક રાજવીને શોભતું ગૌરવ નથી. ગુજરાતના ઘણી દીકરીના બાપની દીકરીના ભવિષ્ય માટેની ચિંતા જેવું ચિંતાળવાપણું છે. એવી જ રીતે 'મૂઆ જરાસંઘથી ચેતતા રહેજો'માંનો 'મૂઆ’ શબ્દપ્રયોગ કરતી દેવકી રાજરમણી કરતાં ગુજરાતણ વધુ લાગે છે.

આ નવલકથા પ્રણય અને શૌર્યને પોતાના નિમિત્ત બનાવી અંતે ઉપશમ-શાંતિમાં સમાપન પામે છે. પ્રણયનિરૂપણમાં લેખકની કુશળતા ‘કામવિજેતા'ની જેમ અહીં પણ ઠીક અંશે જોવા મળે છે. શૃંગારના સંયોગ અને વિપ્રલંભ બંને પાસાનું નિરૂપણ યથાવકાશ અહીં થયું છે. એના નિમિત્ત બન્યા છે નેમિનાથ અને રાજ્યશ્રી. યુદ્ધના પડછંદા તો નવલકથામાં પાને પાને વાગે છે. પણ એટલું સાચું છે કે લેખક યુદ્ધની વિભિષિકાને પ્રત્યક્ષ બતાવવામાં બહુ રચ્યા નથી. જ્યાં જ્યાં યુદ્ધ બતાવવાનું આવ્યું ત્યાં ત્યાં