પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

બાલાભાઈના ઘેર સેવા ચાકરી માટે જાઉં. આ શ્રદ્ધાને પામવી એ નાનીસૂની વાત નથી.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૩૨)

જયભિખ્ખુનાં પ્રસન્નમંગલ દામ્પત્ય અને જયાબહેનના સંદર્ભમાં શ્રી હસિત બૂચ કહે છે, ‘બાલાભાઈના ઘરની એ સાચી જ્યોતિ મૂંગામૂંગા સ્મિતથી સત્કારે ને આવનાર માત્રને આતિથ્યની મીઠાશથી ન્હવરાવે. બાલાભાઈ જે કંઈ લખી શકે છે, આવું વ્યાપક મિત્રમંડળ ધરાવે છે એમાં જયાબહેનનાં સૌજન્ય-સેવાનો ફાળો તરત વરતાય એવો છે... મારા બાદશાહ મિત્રદંપતી જયાબહેનનાં વખાણ કર્યા કરે છે તેમાં ભારોભાર ઔચિત્ય જોઉં છું. જયાબહેનને બાલાભાઈ સારે-માઠે અવસરે હંમેશાં પડખે આવીને ગૃહસ્થાશ્રમને દીપ્તિમય કરે છે. ઘણીવાર તો એવું જણાઈ રહે છે કે બાલાભાઈ-જયભિખ્ખુ-ના યશસાફલ્યનું રહસ્ય એમને પ્રાપ્ત થયેલા જયાબહેનના સાથમાં જ છે.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૧૧૬-૧૧૭)

તેમના પુત્ર કુમારપાળને પણ સાહિત્યના સંસ્કાર વારસામાં મળ્યા છે. વિનયી, વિવેકી અને તેજસ્વી એવા કુમારપાળ દેસાઈને પણ એમની આરંભની કારકિર્દીમાં જ સાહિત્યક્ષેત્રે નોંધનીય સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત સરકારે ‘લાલ ગુલાબ’ અને ‘ડાહ્યા ડમરા’ને ઇનામ આપી એમનું સન્માન કર્યું છે. તેઓ ક્રિકેટ તેમ જ રમતગમત ક્ષેત્રે વિવિધ ગતિવિધિના નોંધપાત્ર વિવેચક તરીકે પણ જાણીતા બન્યા છે. વિવેચક-સંશોધક અને જૈનદર્શનના ચિંતક તરીકે તેમણે ખ્યાતિ મેળવી છે. પુત્રવધૂ પ્રતિમા દેસાઈ પણ ગ્રેજ્યુએટ થયેલાં છે. પુત્રપાલન અને ઘરકામમાંથી નિવૃત્તિના સમયે તે પણ લેખનકાર્ય કરે છે. એમના આવા સ્નેહભર્યા કુટુંબને નિરખીને દુલા કાગ કહે છે, ‘જગત ભક્ત બને પણ કુટુંબ તો દ્વેષ કરે અને ઉદાસીન રહે પણ બાલાભાઈના પુણ્યનો પાર નથી. શ્રી રતિભાઈ (ર. દી. દેસાઈ) તથા છબીલભાઈ, જયંતિભાઈ આદિ જેવા ભાઈઓ તથા ચંપકભાઈ દોશી અને રસિકભાઈ વકીલ જેવાના માસા થવાનું સુભાગ્ય એમને મળ્યું છે. એમાંય તે ચંપકભાઈ તથા રસિકભાઈ આ બંને ભાઈઓની બાલાભાઈમાં એટલી જ ભક્તિ છે જેટલી શ્રી રામમાં હનુમાનને હતી.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૩૨)