પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ :જીવન અને જીવનદર્શન
 


કારણે હિંદી ભાષાનો પણ સારો મહાવરો કેળવાયો. તેઓના પોતાના મત પ્રમાણે તો તેમના ઘડતરમાં ભણતર કરતાં ગુરુજનોની સેવાના બદલામાં મળતી પ્રેમાશિષે, વાચન કરતાં વિશાળ દુનિયા સાથેના જીવંત સંપર્કે અને પુસ્તક કરતાં પ્રકૃતિ દ્વારા મળતી પ્રેરણાએ વધુ ફાળો આપ્યો છે.

‘તું તારો દીવો થા’ એ જયભિખ્ખુના જીવનનું પ્રિય સૂત્ર હતું અને એ સૂત્ર પ્રમાણે જીવન જીવવાના તેઓ રસિયા હતા. કિશોરવયમાં લેખનની પ્રેરણા એમને મળી હતી એક બહેન પાસેથી. સાહસ અને જિંદાદિલીનો રસકટોરો પાયો છે પઠાણખાન શાહ ઝરીને. મશહૂર ચિત્રકાર કનુ દેસાઈ સાથેની મૈત્રીએ જયભિખ્ખુને મુદ્રણકલા તરફ રસ લેવા પ્રેર્યા. એમાંય પેપર કંટ્રોલ આવતાં આ કલા એમને માટે ખૂબ મહત્ત્વની બની ગઈ.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય સાથેના સંબંધ અને શારદા મુદ્રણાલયના સંચાલનને કારણે જયભિખ્ખુ અનેક લેખકોના પરિચયમાં આવ્યા. ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, રતિલાલ દેસાઈ, કનુભાઈ દેસાઈ, ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિદ્યાપીઠવાળા શાંતિલાલ શાહ, ૨. જ. દલાલ, ગોવિંદભાઈ પટેલ, ચિત્રકાર ચંદ્ર ત્રિવેદીનો પરિચય ગુર્જર ગ્રંથરત્નમાં ભરાતા ડાયરાને કારણે થયો. આ ડાયરામાંથી જ જીવનમણિ સદ્‌વાચનમાળા ટ્રસ્ટની સ્થાપના થઈ જેને જૂના અને સંસ્કારપ્રેરક સાહિત્યને નવો ઓપ આપવામાં સારો ફાળો આપ્યો છે.

શ્રી નટુભાઈ રાજપરાના મતે બાલાભાઈ-જયભિખ્ખુ-ના વ્યક્તિત્વઘડતરમાં એમના કુટુંબસંસ્કાર, વિદ્યોપાસના અને સાહિત્યપ્રીતિનો જેટલો ફાળો છે એટલો જ એમનાં પત્ની અ. સો. જયાબહેનનો પણ છે. એમનું પ્રસન્નમંગલ દાંપત્ય જોઈને સદ્‌ગત કવિવર ન્હાનાલાલ અને માણેકબાના અભિજાત અને પ્રસન્ન દામ્પત્ય વિશે વાંચેલું-સાંભળેલું યાદ આવે. અતિથિ માત્રને સહૃદયતાભર્યો ઊજળો આદર અને સંપર્કમાં આવનાર સૌ કોઈને યથાશક્ય સહાયરૂપ થવું એ શ્રી બાલાભાઈનો, એમના કુટુંબના દરેક સભ્યના સ્વભાવનો એક સ્વાભાવિક અંશ છે. એમના આવા હૂંફાળવા કોટુંબિક વાતાવરણને નવાજતા શ્રી દુલાભાઈ કાગ કહે છે, ‘મારા જેવો અલગારી માનવી પણ એવો વિચાર કરે છે કે સાવ ઘડપણ આવે ત્યારે