પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૨૯
 

મુસલમાન બનાવ્યો ત્યારે આ સમાચારથી દુઃખી માતા જીજીબાઈની પ્રેરણાથી વિજાપુર જઈ બજાજીમાં ફરી પાછી સ્વદેશપ્રેમની જ્યોત જાગતી કરનાર શિવાજીનાં શૌર્ય અને શાણપણની કથા ‘વતનને ખાતર’માં નિરૂપાઈ છે. વાર્તામાં જીજીબાઈનું પ્રેરણામૂર્તિ માતૃસ્વરૂપ, શિવાજીનું શૌર્ય અને બજાજીનો તલવાર કે તરુણી વચ્ચેનો સંઘર્ષ સુંદર રીતે ઊપસ્યાં છે.

શૌર્યભર્યા માતૃત્વને અને માતૃપદના ગૌરવને અભિવ્યક્ત કરતી ‘સિહણને ધાવેલા’માં માનું પાત્ર સરસ ઉઠાવ પામ્યું છે તો નાના સાહેબ પેશ્વાનાં શૌર્ય, શાણપણ અને ચાલાકી વર્ણવતી ‘આખરી સલામ’ વાર્તા નાના સાહેબને પોતાના જીવન દરમિયાન થતા સારા-માઠા માનવીઓના પરિચય વર્ણવે છે. પોતાના વહાલસોયા દિયરને ભણાવવા ભાભીએ ઘરેણા વેચ્યાં એની વાત કરતી ‘ભાભીના ઘરેણા’ વાર્તા સંસારની એક સ્ત્રીના આત્મભોગે જગતના ઘરેણારૂપ બનેલા ગોપાલકૃષ્ણ ગોખલેની ઇતિહાસકથા વાર્તારૂપે રજૂ કરે છે.

માણસાઈના એંધાણને અફર બનાવનાર જામનગરના ઝંડુ વૈદ્યના જીવનનો એક કિસ્સો ‘આદર્શ વૈદ્ય’માં મળે છે. ‘શકુન્તલા’ની જેમ ‘કામદેવની કુરબાની’ પણ એમાંના લોકપ્રસિદ્ધ વસ્તુમાં વાર્તાકારે આરોપેલા નવીન અર્થઘટનને કારણે આસ્વાદ્ય બની છે. આ વાર્તામાં દેવો અકર્મણ્ય અને ખમીરહીન નિરૂપાયા છે. વિલાસ એમના જીવનનું ધ્યેય ગણાયું છે. મર્યાદા એમને પસંદ નથી, સંયમ એમને સૂઝતો નથી. દેવીઓ અને ઇન્દ્રાણીઓ પુત્રને જન્મ ન આપવાના સોગંદ લઈ બેઠી છે. પ્રસૂતિની વેદના એમના નિત્ય યૌવનને ભરખી જાય એ એમને પસંદ નથી. સંતાનોનો કપરો ઉછેર એમના વિલાસોમાં વિઘ્નો પેદા કરે છે. માતા તરીકેની સમર્પણભાવના એમને પસંદ નથી. આવા સમર્થ્યહીન દેવ-દેવીઓને અસુરો સામેના યુદ્ધમાં જીતવું હોય તો અર્પણ, પ્રેમ અને પરાક્રમની ત્રિવેણીમાં સ્નાન કરવું પડે. દેવોએ એવો પુત્ર પેદા કરવો પડે જે અનન્ય પરાક્રમ, અનન્ય સમર્પણ અને અનન્ય પ્રેમમાંથી પેદા થયો હોય, શંકર-પાર્વતી જેવાના અનન્ય પ્રેમ અને કામદેવ જેવાના અનન્ય સ્વાપર્ણમાંથી કાર્તિકેય જન્મ. કામદેવના જનહિતાર્થે નિસ્વાર્થે સમર્પણની સુગંધ લહેરાવતી આ કથા આજના યુગને પણ કહી જાય છે કે નિસ્વાર્થ સમર્પણ હંમેશાં અમર બને છે.