પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

છે ખરી પણ એ ઇતિહાસ ક્યાંક પ્રાચીન છે, ક્યાંક મધ્યકાલીન છે તો ક્યાંક અર્વાચીન. ઇતિહાસને નિમિત્ત બનાવીને અહીં ઘણીવાર સમકાલીન વ્યક્તિઓના આછા લસરકા જેવાં શબ્દચિત્રો પણ નિરૂપાયાં છે. પ્રાચીન કથાતત્ત્વવાળી વાર્તાઓમાંનાં પાત્રોનાં કે વિચારોનાં કેટલાંક નવા અર્થઘટનો વાર્તામાં ચમત્કૃતિનો અનુભવ કરાવે છે ખરાં છતાં આ વાર્તાઓમાં આરંભકાલીન વાર્તાલેખકની કચાશ અછતી રહેતી નથી. પ્રસંગની ગૂંથણીમાં ક્યાંક રસિકતાનો અભાવ વરતાય છે, તો ક્યાંક પાત્રચિત્રણમાં જીવંતતા કે અસરકારકતા જોવા મળતી નથી, પાછલા વાર્તાસંગ્રહોમાં ગદ્યશૈલીની તેજસ્વિતા કે વિચાર તથા ભાવનાની જે મર્મસ્પર્શીતા અનુભવાય છે એવું અહીં છે ખરું પણ આછા ચમકારા જેવું જ. આમ છતાં ‘ઉપવન’ આશાસ્પદ્‌ વાર્તાકારની કલમના કસબનો પરિચાયક તો જરૂર બને જ છે.

‘પારકા ઘરની લક્ષ્મી’ :

કુલ ૨૫ વાર્તાઓને સમાવતો ‘પારકા ઘરની લક્ષ્મી’ વાર્તાસંગ્રહ હેતુપ્રધાન સામાજિક નારીલક્ષી વાર્તાઓનો સંગ્રહ છે. આપણા સમાજના એક ઘૃણિત કોણનું દર્શન કરાવતી બાલવિધવાના જીવનની જે ઝાંખી જયભિખ્ખુને પોતાની તરુણ વયમાં થઈ એની ઊંડી છાપમાંથી સંવેદનશીલ વાર્તાકાર દ્વારા આ વાર્તાઓનું સર્જન થયું છે.

વાર્તાઓનું સર્જન થયું ત્યારે લેખકનો ઇરાદો એવો હતો કે ભવિષ્યમાં પોતે એ વાર્તાઓમાંની મુખ્ય મુખ્ય વિગતોમાંથી નવલકથા સર્જશે. પણ જ્યારે નવલકથા લખવા બેસવાનું થયું ત્યારે ખ્યાલ આવ્યો કે એમ કરવા જતાં વિગતો અડધી થઈ જાય. શણગાર થાય પણ દેહસૌષ્ઠવમાં ક્ષતિ આવે. એટલે ‘નિહાળ્યા એવા નિરૂપ્યા’ની રીતે આ વાર્તાઓ જેમની છે તેમ રજૂ કરી. આ કારણે આ સંગ્રહમાં વાસ્તવનું નરવું, વરવું અને ગરવું રૂપ વાર્તાઓરૂપે ઊપસે છે. જીવનમાંગલ્યવાદી લેખકનો આશાવાદ જે અન્યત્ર લેખનમાં ઊપસ્યો છે એ અહીં સર્વત્ર જોવા મળતો નથી.

સંગ્રહની વાર્તાઓને લેખકે એ ખંડમાં વહેંચી છે. પ્રથમ ખંડની સોળ વાર્તાઓને લેખકે વિષયદૃષ્ટિએ ‘જુનવાણી’ એવું પેટા મથાળું આપ્યું છે તો બીજા ખંડની નવ વાર્તાઓનું મથાળું છે ‘નવયુગ’. પ્રથમ ખંડની મોટા