પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

કાકાની વાત છે જેણે મહાજનની શાનને જાળવવા હત્યાના પાપને પણ પુણ્ય ગણ્યું.

શ્રી અનંતરાય રાવળને આ સંગ્રહના શીર્ષકનામ સાથે સહેજ પણ બંધબેસતી ન લાગેલી વાર્તા ‘છેલ્લો પ્રયોગ’ એક બાવાજી દ્વારા નપુંસક યુવાનને પુરુષત્વ પ્રાપ્ત કરવા અપાતી ભસ્મની અને એની સાથે જોડાયેલી શરત પાલનની વાતને વર્ણવે છે. સિદ્ધ પુરુષો દ્વારા મેળવવાની સિદ્ધિ શિર સાટે હોય છે. કાચા પારા જેવી શરતનો ભંગ કરનારને એ સિદ્ધિ કેવી હાનિકર્તા નીવડે છે એનું નિરૂપણ વાર્તામાં થયું છે.

‘શાન્તાનું સગપણ કર્યું’ પણ હિંદુ સમાજની અને કાલપને વ્યક્ત કરે છે. દીકરીનું સગપણ કરવા બાપને છોકરા પક્ષવાળાની કેવી કેવી ખુશામત કરવી પડે છે તે વર્ણવતી આ વાર્તા કટાક્ષ કથા છે. ‘વહુ’ આ સંગ્રહની એવી વાર્તા છે જેમાં કથાતત્ત્વ નથી. હિંદુ સમાજમાં સ્ત્રીનું દીકરીમાંથી વહુમાં થતું રૂપાંતર, રૂપાંતરની એ પ્રક્રિયામાંથી પસાર થતી કન્યકાના મનની સ્થિતિ સાથે સમાજનો પ્રતિભાવ - એને વાર્તાવિષય બનાવીને લખાયેલી આ વાર્તા જાણે જીવતુંજાગતું કરુણ કાવ્ય છે. આરંભનાં ત્રણ વાક્યોમાં જ પરિવર્તનની આ પ્રક્રિયાનું દર્શન એવું કરુણ બની નિરૂપાયું છે. ‘જાણે ઊછળતી-કુદતી સરિતા સાગરના ગંભીર રૂપમાં ફેરવાઈ ગઈ ! ન ગતિ, ન ગાન જાણે નિર્જિવ નિઃશબ્દ જીવન મંડાયું.’ (પૃ. ૧૪૭). સમાજે આ કાચી કુમળી કળીની ઉપર એવું વીતાવ્યું કે ‘એક દી એ મરી ને’ ચિતાએ ખડકાઈ, અગ્નિ ભભૂકી ઊઠ્યો. આબરૂદારની દીકરીના સ્વામીએ ઘેર લાપસી ખાઈ બીજી કોઈ અબળા સાથે કંકુના કર્યા. (પૃ. ૧૫૧) લેખકનો આક્રોશ આ સંદર્ભમાં આ પુણ્યપ્રકોપે પ્રગટે છે. ભારતની આ મહત્તા જગેજગે ગવાઈ. ભારતનું સતીત્વ વખણાયું એ સતીત્ત્વની ઊની ઊની રાખ પર બેસી પુરુષવર્ગે સ્વાભિમાન ગાયું અને સંસ્કૃતિનો વિજયઘોષ કર્યો, કારણ કે જગત સ્વતંત્ર કરવા નીકળેલા સપૂતોના ઘરની આ પરતંત્રતાને પાશવી કહેનાર કોઈ દીર્ઘદ્રષ્ટા ન મળ્યો. (પૃ. ૧૫૧)

આ સંગ્રહની પહેલી ખંડની છેલ્લી વાર્તા તે ‘સોનાની મેડી’. સટ્ટાના બજારની ચડતીપડતીને વર્ણવતી આ વાર્તા આ ચડતી-પડતી સાથે માણસના