પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માનવામાં આવે તો એ સાચો ધર્મ નથી. શુદ્ધ સાધ્યની પ્રાપ્તિ માટે શુદ્ધ સાધન જ હોવા ઘટે એ વાત પ્રતિબોધિત ‘સાધ્યને સાધન’ વાર્તામાં યાકિનીના ઉપદેશથી પ્રતિહિંસાના ઘોર પાપમાંથી ઊગરી જતા હરિભદ્ર મહામુનિના જીવનની ઘટના નિરૂપાઈ છે. ક્રોધને શાંતિથી, વેરને ક્ષમાથી ને અપમાનને મહાનુભાવતાથી જીતવાનો સંદેશ આપતી આ વાર્તા જયભિખ્ખુની એક સારી વાર્તા છે.

શ્રાવકને પમ એના સંસારી ધર્મો બજાવતાં અવધિજ્ઞાન થઈ શકે એવી શ્રમણોપાસક આનંદની વાતને અસત્ય તરીકે ઓળખાવતાં ગૌતમ મુનિની આ વાત ભગવાન મહાવીર પાસે અસત્ય ઠરતાં પોતાની ભૂલનો સ્વીકાર કરી ભૂલના પ્રાયશ્ચિત રૂપે મહામુનિ હોવા છતાં શ્રાવક પાસે જઈને એની માફી માગતાં સહેજ પણ ક્ષોભ ન અનુભવનાર ગૌતમ મુનિની નમ્રતાને વર્ણવતી ‘સાધુવંધ્યશ્રાવક’ વાર્તામાં ગૌતમ મુનિનું પાત્ર સરસ ઉઠાવ પામ્યું છે. જ્યારે ‘આત્મધર્મ’ વાર્તા ઇન્દ્રને આત્મધર્મનો મહિમા વાણીથી તેમજ પોતાના વર્તનથી શીખવતા જ્ઞાનપુત્ર મહાવીરના ઉપદેશને મુખ્ય બનાવી વર્ણવે છે. વાર્તાકાર આ વાર્તામાં માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, નિર્ભયતા વિના સિદ્ધિ નથી એ વાતનું પ્રતિપાદન કરે છે.

ખંભાતના ધરમી પુરુષો રાજિયા-વાજિયાની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, દિલેરી અને ક્ષમાભાવે વર્ણવેલી ‘રાજિયા-વાજિયા’ વાર્તા સંગ્રહની પાત્રપ્રધાન વાર્તા છે. તો ભગવાન મહાવીરના નિર્વાણપ્રસંગને નિરૂપતી ‘પરિનિર્વાણ’ વાર્તા મહાવીરશિષ્ય ગૌતમને મહાવીરના નિર્વાણમાંથી મળેલા ઉપદેશને નિરૂપે છે. ક્ષણભંગુરની ઉપાસના ન હોય એમ સહુને બોધ આપતા ગૌતમ જ જ્યારે ક્ષણભંગુર એવા ભગવાનના દેહના ઉપાસક બની રહ્યા, આત્મિક પૂજાને બદલે એમણે ભગવાનની વ્યક્તિપૂજા આદરી, ભાવનાને બદલે દેહના પૂજારી બન્યા ત્યારે પોતાના મૃત્યુથી ભગવાનને ગૌતમને સાચો નિર્વાણરાહ બતાવ્યો.

પોતાના શીલ વિષે ગર્વ ધારતા નંદીસેનનું નમ્રયોગમાં થતું રૂપાંતર ‘હું પોતે’ વાર્તામાં વર્ણવાયું છે, તો કર્તવ્યની વેદી ઉપર પિતૃઆજ્ઞાથી પિતૃહત્યા કરતા શ્રીયકની કથા ‘પિતૃહત્યાનું પુણ્ય’ માં નિરૂપાઈ છે. મગધની સીમાઓ